સુરત : ઈશ્વર દરેક જગ્યાએ ધ્યાન રાખી શકતો નથી એ માટે તેણે માતાનું સર્જન કર્યું છે એવું કહેવાય છે. જે માતા 9 મહિના સુધી બાળકને ગર્ભમાં રાખી તેનું ભરણપોષણ કરતી હોય છે એવી કેટલીક માતાને તેમના પુત્ર-પુત્રી માર મારી ઘરેથી કાઢી મુકતા હોય છે. આવી અનેક માતા વૃદ્ધાશ્રમમાં નહીં પરંતુ સુરત શેલ્ટર હોમમાં જોવા મળી રહી છે. હાલ કેટલાક લોકો માતાને વૃદ્ધાશ્રમમાં એ માટે મુકતા નથી કારણકે તેમને સમાજનો ભય હોય છે અને વૃદ્ધાશ્રમમાં તે અંગે પૂછપરછ કરવામાં આવે છે. જેથી તેઓ માતાને રસ્તા ઉપર તરછોડી જાય છે. આવી માતાઓની વ્યથા સાંભળીને કોઈની પણ આંખ ભીંજાઇ જશે.
આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ લઇ લીધાં : સુરતના અલથાણ વિસ્તાર ખાતે પાલિકાના શેલ્ટર હોમમાં રહેતાં 70 વર્ષીય હીરાબેન શનું છેલ્લા ઘણા સમયથી અહીં રહે છે. પરંતુ તેમની આંખો આજે પણ ભીની છે. નજીવી બાબતમાં તેમના પુત્ર એ તેમને માર મારી ઘરેથી કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં હીરા બા પાસેથી તેમનું આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ લઈ તેમને રસ્તા પર છોડી દીધા હતાં.
અજાણ્યાએ કરી મદદ : એક અજાણ્યા વાહન ચાલકે જ્યારે તેમને રોડ પર રડતા જોયાં ત્યારે તેમને પોતાના વાહન પર બેસાડીને સુરત લઈ આવ્યા હતા અને શેલ્ટર હોમને જાણકારી આપી હતી. તેમને હેમખેમ અહીં લાવી જ્યોતિ સામાજિક સેવા સંસ્થા કાળજી લઈ રહી છે. હીરાબા પોતાની વ્યથા બતાવતા રડી પડ્યા હતા
હું ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે ક્યારેય પણ કોઈને આવો પુત્ર નહીં આપે. મારા પુત્રએ મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી છે. એટલું જ નહીં મારું આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ આપ્યું નથી. ભગવાન આવા સંતાનો કોઈને આપે નહીં... હીરાબેન શનું (તરછોડાયેલી માતા)
દિવ્યાંગ માતાને મારતો પુત્ર : હીરાબાની જેમ જ એક અન્ય માતા પણ શેલ્ટર હોમના શરણમાં છે. કલાવતીબેનની ઉંમર 78 વર્ષ છે. તેમનો એક હાથ સામાન્ય નથી અને જેના કારણે તેઓ દિવ્યાંગ છે. નાનપણથી જ તેમને આ સમસ્યા હતી. તેમ છતાં પુત્રના ભરણ પોષણ માટે તે લોકોના ઘરે જઈ વાસણ ધોવાનું કામ કરતા હતાં. પરંતુ એ જ પુત્ર એ તેમને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા હતાં. તેમનો કલયુગી પુત્ર તેમને અવારનવાર મારતો પણ હતો. જ્યારે પુત્રએ તેમને માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા હતાં ત્યારે તેમની મદદ માટે તેમની દીકરી પણ સામે આવી નથી. દીકરી અને જમાઈ તેમને રેલવે સ્ટેશન પર મૂકી ચાલ્યા ગયાં હતાં. શેલ્ટરમાં હાલ તેઓ રહે છે અને જીવન નિર્વાહ કરવા માટે આ ઉંમરે રસ્તા પર માટે રૂની દિવેટ વેચે છે. પુત્ર અને પુત્રીની નિર્દયતાના કારણે હવે તે ક્યારેય પણ તેમને મળવા માંગતા નથી અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ભગવાન આવા સંતાનો કોઈને આપે નહીં.
ઘણા પુત્રપુત્રીઓ હોય છે કે જેઓ સમાજની શરમથી વૃદ્ધાશ્રમમાં લઈ જઈને તેમને મૂકતા નથી. કારણ કે વૃદ્ધાશ્રમમાં પણ લોકો પૂછે છે કે તમે માતાને શા માટે અહીં મૂકી રહ્યા છો?. જેથી તેઓ તેમને રસ્તા ઉપર મૂકીને ચાલ્યા જાય છે... પૂજા પાંડે (શેલ્ટર હોમ સંચાલક)
શેલ્ટર હોમમાં 80 જેટલી માતાઓ : સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત ચાર જેટલા શેલ્ટર હોમ છે. જેનું સંચાલન જ્યોતિ સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સંચાલકના જણાવ્યા અનુસાર પરિવાર દ્વારા અને ખાસ કરીને પુત્ર અને પુત્રી દ્વારા તરછોડી દેવામાં આવેલી આશરે 70 થી 80 જેટલી માતાઓ શેલ્ટર હોમમાં રહે છે.