સુરત : તાપી રીવર ફ્રન્ટ નજીક આજે દેશવિદેશના પતંગ બાજુએ અલગ અલગ પ્રકારના વિશાલકાય પતંગ ચગાવીને સુરતીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સુરત ખાતે આયોજિત પતંગ ઉત્સવમાં ભગવાન રામ લલ્લા મંદિર સાથે 75 ફૂટનો પતંગ પણ જોવા મળ્યો હતો. જે સુરતના ઈલેક્ટ્રીક એન્જિનિયર દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેઓ 24 દેશોમાં પતંગ ચગાવી ચૂક્યા છે. ઓક્ટોપસ, ચિતા, બેલ અને શાર્ક જેવા અલગ અલગ બસોથી પણ વધુ પતંગો જોવા માટે સુરતીઓ ખૂબ જ ઉત્સાહિત નજરે આવ્યા.
ક્યાં ક્યાંથી આવ્યાં પતંગ બાજ : આ પતંગ ઉત્સવમાં ખાસ ભગવાન રામની ઝાંકી પણ જોવા મળી. 75 ફૂટના પતંગ આ પતંગ ઉત્સવને ભક્તિમય કરી દીધો. પતંગ ચગાવવામાં નિપૂણ એવા દેશવિદેશના પતંગ બાજોએ વિશાલકાય અને ટચુકડા પતંગો ઉડાવીને લોકોને રોમાંચિત કરી દીધા હતા.પતંગ ઉત્સવમાંચીલી, ડેનમાર્ક, તુર્કી, ઓસ્ટ્રેલિયા, કંબોડિયા, સ્પેન, બ્રાઝીલ જેવા દેશોના 37 પતંગ બાજોએ ભાગ લીધા હતાં. જ્યારે વાત ભારતની કરવામાં આવે તો કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હીથી પતંગ બાજ સુરત આવ્યા હતા.
24 દેશોમાં પતંગ ચગાવવા માટે જઈ ચુક્યા છે : રામમંદિરની થીમ પર પતંગ બનાવનાર સુરતના પતંગબાજ મિતેશ નકુમે જણાવ્યું હતું કે, હું છેલ્લા દસ વર્ષથી પતંગ ચગાવું છું. 24 દેશોમાં પતંગ ચગાવવા માટે જઈ ચુક્યો છું. અત્યાર સુધીમાં મને ઘણા પુરસ્કાર પણ મળ્યા છે. પતંગની દુનિયા મારી માટે રખડતી દુનિયા હતી. મારી હોબીને આજે બિઝનેસ બનાવીને આગળ ગયો છું. રામ મંદિર થીમ પર પતંગ 75 ફૂટ બનાવી છે. મારી જે કેપ છે તે અલગ અલગ દેશોમાં જઈ જે મેડલ જીત્યા છે તેની ઉપર છે. પ્રોફેશનલી હું ઈલેક્ટ્રીક એન્જિનિયર છું.
ઓસ્ટ્રેલિયન 30 વર્ષથી પતંગ ચગાવે છે : ઓસ્ટ્રેલિયાથી આવેલા પતંગબાજ વિકીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાથી આવું છું. ભારત એ ખૂબ જ પ્રિય દેશ છે. છેલ્લા 30 વર્ષથી પતંગ ચગાવું છું. દરેક ક્ષણને હું ઉત્સાહભેર અનુભવું છું. જે પતંગ લઈને હું આવ્યો છું એ એવા લોકો માટે છે જે ખૂબ જ સૌમ્ય અને શાંત સ્વભાવના છે. આ પતંગ જોઈને લોકોને ખૂબ જ શાંતિ અનુભવ થાય એવું છે. કાર્ટૂનના રૂપમાં આ પતંગ જોવા મળશે.
અહીંના લોકો ખૂબ જ મિલનસાર છે : ચીલીથી આવેલા પતંગ બાજ માઉદીએ જણાવ્યું હતું કે, પ્રથમવાર સુરત આવીને ખૂબ જ આનંદ થાય છે. અહીંના લોકો ખૂબ જ મિલનસાર છે. જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારથી જ પતંગ ચગાવું છું અને 45 વર્ષનો છું. પતંગ ચગાવવું મારી માટે સૌથી પ્રિય પ્રવૃત્તિ છે.