આ મહોત્સવમાં દેશ-વિદેશના 110 પતંગબાજો દ્વારા અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી આકાશને રંગબેરંગી બનાવી દેશે. જેનું ઉદ્દધાટન પ્રધાન હસ્તે કરવામાં આવશે. પતંગ મહોત્સવને સુરતની જનતા પણ માણી શકે તે હેતુથી સુચારૂ આયોજન અર્થે કલેકટર કચેરીમાં નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વસાવાએ જણાવ્યું હતું કે, સુરતમાં આગામી 10મીએ 16 દેશોના 50 અને ભારતના વિવિધ રાજ્યોના 40 તથા રાજયના 20 પતંગબાજો પોતાના અવનવા કરતબો દર્શાવી સુરતીઓનું મનોરંજન કરશે. વિદેશી પતંગબાજો આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી પરિચીત થાય તેમજ તેમનું ભવ્ય સ્વાગત ભારતીય આતિથ્ય ભાવનાની પરંપરાથી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં વિવિધ શાળાઓના બાળકો, દિવ્યાંગોને તલના લાડુ, ચીકી અને પતંગનું વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્ટોલ, સહિતની વ્યવસ્થાઓ સુપેરે પાર પડે તે માટે સંબંધિત વિભાગોને સંકલનમાં રહી આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રવાસન વિભાગ, પોલિસ વિભાગ, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન, માહિતી વિભાગ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.