પરિવારના લોકોએ ઘરના વડીલની અંતિમ ક્રિયા બાદના ચાર દિવસ દરમિયાન શહેરમાં કયા કયા વિસ્તારોમાં ભારે વાહન પ્રવેશ કરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે તેનો વીડિયો બનાવીને પુરાવા ભેગા કર્યા છે, જેથી તંત્ર કોઈ આનાકાની કરી શકે નહીં. મૃતકના પરિવારના સભ્યો પોતે આ વીડિયો પુરાવા લઈને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવા અંગે માંગ કરી હતી.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા ભારે વાહનોના સવારે 7થી લઇ રાત્રે 11 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશ અંગે પ્રતિબંધ મૂકતું જાહેરનામું કાઢવામાં આવ્યું હતું. તેમ છતાં બેફામ થઈ મોટા વાહનો લક્ઝરી બસ સુરત શહેરમાં આ સમય દરમિયાન પ્રવેશ મેળવી રહ્યા છે. આ જ કારણે 9મી તારીખે ઘરેથી અખબાર ખરીદવા માટે નીકળેલા અશોક મહેતા લક્ઝરી બસની અડફેટે આવી ગયા હતા. તેથી આ ઘટનામાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, પ્રતિબંધનું જાહેરનામું હોવા છતાં કેમ ભારે વાહનોનો શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે. જો જાહેરનામાનું અમલીકરણ થતું હોત તો આ દુ:ખદ ઘટના બની જ ન હોત. મૃતકના પરિવારના લોકો આ ઘટનાથી એટલી હદે નિરાશ થઈ ગયા હતા કે, મૃતકના અંતિમ સંસ્કાર બાદ શહેરમાં જાહેરનામાનો ભંગ કરી રહેલા મોટા વાહનો કયારે પ્રવેશ કરે છે તેના વીડિયો પુરાવા લઇને કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
મૃતકના પરિવારના લોકોએ આક્ષેપ કર્યો હતો કે, જાહેરનામાનો ભંગ કરી મોટા વાહનો શહેરમાં બેફામ પ્રવેશ મેળવી રહ્યા છે અને આ સમગ્ર બાબતે પોલીસ મુક દર્શક બની છે. વૃદ્ધના મોત બાદ પણ અત્યાર સુધી કોઈપણ કાર્યવાહી બસ ચાલક વિરૂદ્ધ કરવામાં આવી નથી.