- પી.વી.એસ શર્માના નિવાસસ્થાન પર કરવામાં આવેલી આયકર વિભાગની કાર્યવાહી પૂર્ણ
- આયકર વિભાગને 2.07 કરોડની રોકડ અને જ્વેલરી મળી આવી
- મહેશ ટ્રેડિંગ નામની કંપનીમાં પણ આયકર વિભાગની તપાસ
સુરત: નોટબંધીના દિવસોમાં જ્વેલર્સ તેમજ આયકર વિભાગના અધિકારીઓ વિશે ટ્વિટ કરી CBI અને ED તપાસની માગણી કરનારા IT ના પૂર્વ અધિકારી અને શહેર ભાજપના ઉપપ્રમુખ પી.વી.એસ શર્મા નિવાસસ્થાન સહિત 13 સ્થળો પર કરવામાં આવેલી આયકર વિભાગની કાર્યવાહી પૂર્ણ થઇ છે. તપાસ દરમિયાન તમામ સ્થળોથી આયકર વિભાગને 2.07 કરોડની રોકડ અને જ્વેલરી મળી હતી.
13 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી
IT ના પૂર્વ અધિકારી પી.વી.એસ શર્મા સહિત એમના CA અડુકીયા, કૌશલ ખંડેરિયા, બિલ્ડર ધવલ શાહ, સાકેત મીડિયા સહિત કુલ 13 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સુરતમાં 10 મુંબઈમાં 2 તેમજ થાણેમાં 1 સ્થળ સહિત કુલ 13 સ્થળો પર આયકર વિભાગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પી.વી શર્મા કુસુમ સિલિકોન નામની કંપનીમાં પ્રતિમાસ દોઢ લાખ રૂપિયાના પગાર પર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તે ઉપરાંત તેમના ત્યાંથી જપ્ત કરાયેલા લોકરમાંથી 13 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી. કૌશલના ત્યાંથી મોટાપાયે ગોલ્ડ 37 લાખની એફડી તેમજ 40 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.