સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા અને જંગલોથી ઓળખાતા ઉમરપાડા તાલુકામાં એક રમણીય પ્રવાસન ધામનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. ઘાટા બાપજીના નામે ઓળખાતું અને આદિવાસી સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર દેવઘાટમાં ઇકો ટુરિઝમ સેન્ટરનું કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે શુક્રવારે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. પ્રવાસન સ્થાનથી સ્થાનિક રોજગારી પણ ઉભી થાય એ હેતુ સાથે ગુજરાત પ્રવાસન વિભાગ અને સુરત વન વિભાગ દ્વારા ઇકો ટુરિઝમ સેન્ટર વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આદિવાસી વિસ્તાર અને જંગલીય વિસ્તારમાં 3 કરોડના ખર્ચે પ્રવાસન ધામ વિકસાવવામાં આવ્યું છે. જેમાં 10 કોટેજ , 4 ટ્રી હાઉસ , કેન્ટીન સહિતની સુવિધાઓ યાત્રાળુઓ માટે ઉભી કરવામાં આવી છે. તેમજ કેન્ટીનનો સમગ્ર વહીવટ સખી મંડળને સોંપી મહિલાઓને પણ આર્થિક રીતે પગભર કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.