સુરત : જિલ્લાના પાંડેસરા અને ત્યારબાદ લસકાણા વિસ્તારમાં પરપ્રાંતીઓ મોટી સંખ્યા પર ઉતરી આવ્યા હતા અને આજે આવી જ એક ઘટના વરાછા વિસ્તારમાં થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોતાના વતન જવા માટેની જીદ પકડી લીધી હતી.
આશરે હજારથી વધુ શ્રમજીવીઓ જ્યારે રોડ પર ઉતરી આવ્યા, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આરોપ છે કે તેઓને લોકડાઉનના સમયે પર્યાપ્ત જમવાનું મળી રહ્યું નથી સાથે તેઓ પોતાના વતન જવા માગે છે. આ તકે શ્રમજીવીઓએ અપીલ કરી છે કે જો સરકાર ટ્રેન શરૂ ન કરે તો તેઓ ચાલતા પણ પોતાના વતન જવા ઈચ્છા રાખે છે.
શ્રમજીવીઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી જમવાનું મળી રહ્યું નથી અને પગાર પણ મળ્યો નથી. હાલ તેઓ અહીં રહી શકે તેવી વ્યવસ્થા નથી અને તંત્ર પણ કોઈ યોગ્ય નિરાકરણ લઇ આવી રહ્યું નથી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન યોગી સામે પોતાના વતન જવા માટે ગુહાર લગાવી રહ્યા છે.
જ્યારે બીજી બાજુ તંત્ર તમામ શ્રમિકોને ભરપેટ જમવાનું આપી રહ્યા હોય તેવું જણાવ્યું છે. આ તકે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બચ્છા નિધિ પાની એ કહ્યું છે કે પોતાના વતનથી આવેલા લોકોને અમે પર્યાપ્ત ભોજન આપી રહ્યા છે અને તેમના કારખાનેદારો સાથે પણ વાતચીત કરી રહ્યા છે. જે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને તેમને પર્યાપ્ત ભોજન મળી રહેશે.