સુરત: એક તરફ સુરતમાં દિન પ્રતિદિન ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં સોમવારના રોજ બુટલેગરની હત્યા થઈ હતી. જો કે, આટલું ઓછું હોય તેમ હવે બુટલેગરના ખોફથી પોલીસને ભાગવું પણ પડી રહ્યું છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં બુટલેગર કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમીને લઈને પોલીસ કમ્પ્લેઈન બોર્ડ(PCB) પોલીસ દરોડો પાડવા પહોંચી હતી. જો કે, કારમાંથી દારૂ ન મળતા બુટલેગરે ડ્રામા શરૂ કરી દીધો હતો. જે કારણે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.
આ ઉપરાંત કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. લોકટોળું એકત્ર થઇ જવાને કારણે PCB પોલીસ સ્થળ પરથી ઉભી પૂછડીએ ભાગી હતી. આપેલા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, PCR વાન હાજર હોવા છતાં PCB પોલીસને ભાગવું પડ્યું હતું. આ વીડિયો વાયરલ થતા સુરત પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. આ ઉપરાંત વાયરલ વીડિયોમાં પોલીસને બેફામ ગાળો પણ ભાંડવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે અને સમગ મામલે તપાસ હાથ ધરી છે.
ડીંડોલી પોલીસ મથકની હદમાં બુટલેગરની હત્યા
સુરતઃ અનલોક શરૂ થયા બાદ સુરતમાં ગુનાઓની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં સોમવારે આજય નામના બુટલેગરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ બનાવ સુરતના ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના ઉધના વિસ્તારમાં 3 મહિના અગાઉ પણ કુખ્યાત બુટલેગર કાલુની હત્યા પણ મોડીરાત્રીએ કરવામાં હતી. જેમાં દારૂના ધંધાની હરીફાઈની ચર્ચા હતી. જો કે, પોલીસે ઝડપેલા આરોપીઓએ અંગત અદાવતનું કારણ જણાવ્યું હતું.