સુરત: ATMમાં રૂપિયા ઉપાડવા આવતા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી પીન નંબર જાણી લીધા બાદ એટીએમ કાર્ડ બદલી રૂપિયા પડાવી લેતી ટોળકીના બે લોકોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી જુદી જુદી બેંકના એટીએમ, ડેબિટ કાર્ડ, રોકડ રકમ ઉપરાંત મોબાઈલ મળી કુલ એક લાખથી વધુની મત્તા સુરત ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન સચીન GIDC વિસ્તારમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. જેમાં ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી બે વર્ષ અગાઉ યુપીના મિર્ઝાપુરમાં છેતરપિંડીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી હતી કે, સાંઈનાથ વિસ્તારમાં આવેલ ATMમાં રૂપિયા ઉપાડવા જતાં સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરતી ગેંગના બે આરોપીઓ ડિંડોલી વિસ્તારમાં ફરી રહ્યા છે. જે મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિંડોલીના બીલીયા નગર વિસ્તારમાંથી આરોપી પ્રવિણકુમાર ઉર્ફે રાહુલ સિંગ તેમજ શિરીષ ગિજુભાઈ પટેલને ઝડપી પાડયા હતા આ બંને આરોપીઓની આકરી ઢબે કરેલી પૂછપરછ દરમિયાન સચીન જીઆઇડીસી વિસ્તારમાં નોંધાયેલા છેતરપિંડીના બે ગુનાનો ભેદ ઉકેલાઇ ગયા હતા. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે કુલ પાંચ એટીએમ અને ડેબિટ કાર્ડ જપ્ત કર્યા હતા. જ્યારે રોકડા રૂપિયા એક લાખ 8 હજાર પાંચસો અને મોબાઈલ પણ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવ્યો હતો.
જ્યારે આ આરોપીઓ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા સિનિયર સિટીઝન તેમજ મહિલાઓને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પીન નંબર જાણી અદલાબદલી કરી નાખતા હતા. જે બાદ તે એટીએમનો ઉપયોગ કરી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. આ પ્રકારે આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપતા હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન બહાર આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.