સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પતી- પત્ની અને ઓલપાડના બરબોધન ગામ ખાતે રહેતા પ્રેમી જેના કારણે પતી પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી ઝઘડા ચાલતા હતાં. પત્ની પતીને દબાણ પણ કરતી હતી. જ્યાં પ્રેમીને પામવા પતિનો કાંટો કાઢવા પત્ની પ્રેમી સાથે મળી હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો. પતિ પત્ની સોમવારના રોજ જહાંગીરપુરા મુકામેથી સેગવા ગામ પિયરે જવા નીકળ્યા હતાં. જે દરમિયાન પત્ની એ લઘુશંકાનુ બહાનું કાઢી જહાંગીરપુરાના કોસમા ગામની સીમમાં આવેલ સરકારી તળાવ ખાતે ગાડીને રોકાવી હતી. જ્યાં પહેલાંથી ત્યાં હાજર પ્રેમી અને પતિ વચ્ચે મારામારી થઈ હતી. જે બાદ પ્રેમીએ ધક્કો મારતા પતી તળાવના ઊંડા પાણીમાં પડતા પડતા પ્રેમીનો હાથ પકડી લીધો હતો.
જેના કારણે બંને વિસ ફૂટ ઊંડા તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જ્યાં બનાવની જાણ પત્નીએ જહાંગીરપુરા પોલીસને કરી હતી. પોલીસે ફાયરની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના અંગે પત્નીની પુછપરછ કરતા તેને ગોળગોળ જવાબ આપ્યો હતો. પોલીસની પૂછપરછમાં પત્નીએ જણાવ્યું કે, પતિ અને પ્રેમી બંને વચ્ચે અકસ્માતને લઈ રકઝક થઈ હતી.જેમાં તેણીને પણ ઇજા થઇ હતી. પરંતુ, પત્નીના શરીરે કોઈ એવી ગંભીર ઇજા ન દેખાતા પોલીસને વધુ શંકા જણાઈ આવી હતી. આખરે પોલીસ તપાસમાં પત્ની ભાંગી પડી હતી અને પ્રેમીને પામવા માટે તેણીએ જ હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હોવાની હકીકત જણાવતા તેણીની ધરપકડ કરી હતી.