- નમો કોવિડ કેર સેન્ટરના ડોક્ટર, નર્સ અને સ્ટાફનો મનોરંજક પ્રયોગ
- ગરબા દ્વારા માનસિક રીતે તૂટી પડતાં કોરોના દર્દીઓનું મનોબળ વધારવાનો પ્રયાસ
- કોવિડ કેરના સ્ટાફ સાથે દર્દીઓના સગાઓ પણ દર્દ ભૂલી ગરબે ઘૂમ્યા
નવસારી : કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલમાં પરિવારથી અળગુ રહેવું પડે છે. જેને કારણે તેમની માનસિક સ્થિતિ બગડતી હોય છે, નવસારીના નમો કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓનું મનોબળ વધારવા કોવિડ સ્ટાફ, દર્દીઓના મનોરંજન માટે ગરબે ઘૂમ્યો હતો. જેમાં દર્દીઓ સાથે તેમના સગાઓ પણ દર્દ ભૂલીને ગરબામાં ઝૂમી ઉઠયા હતા અને કોરોનાથી મુક્તિ મળે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.
જિલ્લા ભાજપ દ્વારા દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે કોવિડ કેર સેન્ટર
નવસારીમાં માર્ચ મહિના બાદ કોરોના કેસમાં આવેલા ધરખમ વધારાને જોતા જિલ્લા ભાજપ દ્વારા દાતાઓના સહયોગથી નવસારી પાલિકાના કોમન પ્લોટ નજીક બંધ પડેલી કંપનીના મકાનમાં નમો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગંભીર અવસ્થામાં આવેલા દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સુરતમાં દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ, કોવિડ સેન્ટરમાં ગરબા-એરોબિક્સનું આયોજન
દર્દીઓ અનુભવે છે માનસિક તાણ
કોરોનાના દર્દીએ પરિવારથી અળગા રહીને સારવાર કરાવવી પડે છે. જેમાં દર્દીઓનું મનોબળ તુટી જાય છે અને માનસિક રીતે હતાશ થતાં તેમની તબિયત પણ બગડી શકે છે. ત્યારે કોરોનાની ગંભીર બીમારીમાં પારિવારિક હુંફ મળે તો દર્દીની રિકવરી વહેલી આવે છે. જેને ધ્યાને રાખી નમો કોવિડ કેર સેન્ટરના સંચાલકો દ્વારા શુક્રવારે સેન્ટરમાં કોરોના દર્દીઓની વચ્ચે ડોક્ટર, નર્સ, સ્ટાફ પીપીઇ કીટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. જેમની સાથે પોતાની પીડા ભૂલી કોરોના દર્દીઓ અને સગાઓ પણ ગરબે ઝૂમ્યા હતા. કોવિડ સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયોગને કારણે દર્દીઓનું મનોબળ વધ્યું હતું. સાથે જ તેઓ કોરોના મુક્ત થાય એવી સૌએ માતાજીને પ્રાર્થના કરી હતી.