સુરતઃ કડોદરાના વિવિધ વિસ્તારોમાં રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે રૂ. 2.93 કરોડના ખર્ચે તૈયાર થનારા પાકા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. 48.25 લાખના ખર્ચે કડોદરાના મહાદેવનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં રોડ સર્ફેસિંગના કુલ 9 કામો, રૂ.20.38 લાખના ખર્ચે કડોદરાના ગોકુળનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં આરસીસી રોડના કુલ 3 કામો અને રૂ. 2.25 કરોડના ખર્ચે કડોદરાના મણિનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં આરસીસી રોડના કુલ 34 કામોના રસ્તાઓની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.
આ અવસરે પ્રધાને જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસ કામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે.
પાકા રસ્તાઓના નિર્માણથી જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થવાથી લોકોને તેનો સીધો ફાયદો થશે. કામ શરૂ થયા બાદ યોગ્ય સમયમાં ગુણવત્તાયુકત રીતે કામ પૂર્ણ થાય તેની તંત્ર વાહકોને સૂચના આપી હતી.