સુરત: ગુજરાતના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આખરે 58માં દિવસે ડીઆરઆઈ દ્વારા સુરત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. સુરત એરપોર્ટ પર પકડાયેલા 25 કરોડના કેસમાં 11 આરોપીઓ સામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં 3,500 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી સસ્પેન્ડેડ પીએસઆઇ પરાગ દવે સ્મગલિંગના ગોલ્ડને એરપોર્ટથી બહાર નીકળવા માટે મહત્વની ભૂમિકા ભજવતો હતો. જેમાં 11 આરોપીઓની ભૂમિકા પણ દર્શાવવામાં આવી છે. એમાંથી પાંચ આરોપીઓને ડીઆરઆઈએ સમન્સ પણ પાઠવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા નહોતા.
ગોલ્ડ સ્મગલિંગનો માસ્ટર માઈન્ડ કોણ: આ ચાર્જશીટ જણાવવામાં આવ્યું છે કે, દુબઈ સુરત ગોલ્ડ મોકલવા માટે સલમાન રફીક પેનવાલા માસ્ટર માઈન્ડ છે. સલમાન અન્ય રિઝવાન સહિતના પીઓ સાથે મળીને આ સ્મગલિંગ કાંડને અંજામ આપતો હતો અને તમામને કમિશન પણ આપતો હતો. સલમાન ભારતનો નાગરિક છે પરંતુ દુબઈમાં રહે છે અને તે સતત આરોપી પરાગ દવે સાથે વીડિયો કોલિંગ અને વ્હોટ્સ એપ ચેટિંગ પર વાત કરતો હતો.
ડીઆરઆઈનો ખુલાસો: ચાર્ટશીટમાં ઉલ્લેખ કરાયો છે કે ઈમિગ્રેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરાગ દવે એક્ટિવ ભૂમિકામાં હતો. શારજહાંની ફ્લાઈટ જ્યારેસુરત એરપોર્ટ આવે તો પરાગ દવે ગોલ્ડ કઈ રીતે એરપોર્ટથી બહાર નીકળવાનું છે તે અંગેની વ્યવસ્થા કરતો હતો. સુરત અને ભરૂચના કેરિયર આ ગોલ્ડ ફ્લાઈટ થકી સુરત લાવતા હતા. જૂની મુંબઈમાં મોકલવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી હતી. માત્ર એક વખત નહીં પરંતુ અનેક વખત આ લોકોએ આવી જ રીતે ગોલ્ડ સ્મગલિંગ કરી હોવાનો ખુલાસો ડીઆરઆઈ કરી ચૂકી છે.
આરોપીઓની ભૂમિકા: ચાર્જશીટમાં ડીઆરઆઈએ જે આરોપીઓ બતાવ્યા છે. તેમાં ખાસ કરીને એક્ટિવ ભૂમિકા ભજવનાર સસ્પેન્ડેડ પીએસઆઇ પરાગ દવે, કેરિયર તરીકે ભૂમિકા ભજવનાર ઉવેશ શેખ, યાસીર શેખ, મોહમ્મદ સતાર, મોહસીન શેખ સામેલ છે. સાથે ગોલ્ડ ડિલિવરી માટે જેને જવાબદારી આપવામાં આવી હતી તે આરોપી શબ્બીર ભાટીયા, ફરહાન પટેલ છે. આ સ્મગલિંગ ગોલ્ડ ખરીદનાર આરોપી તૌસિક સિધ્ધિકી છે જ્યારે માસ્ટરમાઈન્ડ દુબઈમાં બેસેલા સલમાન રફિક પેનવાલા છે. આ ગોલ્ડન માટે મુખ્ય રોકાણકાર રિઝવાન લિંબાળા છે.