- બારડોલીમાં વ્યાજખોરે જાહેરમાં પંચરવાળાને માર્યા લાફા
- 'બે દિવસમાં પૈસા નહીં આપે તો તું ગયો' કહી જાહેરમાં માર માર્યો
- લોકો ભેગા થતા વ્યાજખોર ત્યાંથી ભાગી ગયો
- પંચરવાળાએ બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
બારડોલીઃ વ્યાજખોરોની દાદાગીરીને અંકુશમાં લાવવા સરકાર અને પોલીસ કામ કરી રહી છે, પરંતુ હજી પણ વ્યાજખોરો કાયદો હાથમાં લઈને વ્યાજે પૈસા લેનારા લોકોને વગર કોઈ કારણે હેરાન કરી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. લૉકડાઉન બાદ તો વ્યાજખોરોનો આતંક ખૂબ જ વધી ગયો છે. બારડોલીમાં સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પાસે એક વ્યાજખોરે પૈસા પરત નહીં આપનારા ટાયર પંચરવાળાને જાહેરમાં લાફા મારી દીધા હતા અને દુકાન સળગાવી દેવાની પણ ધમકી આપી હતી. જોકે લોકોએ વ્યાજખોરનો ઉધડો લેતા વ્યાજખોર ત્યાંથી ભાગી ગયો હતો. ટાચર પંચરવાળાએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરે કહ્યું બે દિવસમાં પૈસા નહીં આપે તો દુકાનને સળગાવી દઈશ. ટાયર પંચરવાળાએ રૂ. 30 હજાર વ્યાજે લીધા હતા. જોકે લૉકડાઉન આવી જતા પૈસા ચૂકવી ન શક્યો, પરંતુ વ્યાજખોર તેને હેરાન કરી રહ્યો છે.
પંચરવાળાએ વ્યાજે લીધેલા 30 હજારમાંથી 11 હજાર ચૂકવી દીધા હતા
આ અંગે મળતી માહિતી અનુસાર, બારડોલીના અવધૂત નગર સોસાયટીમાં રહેતા મણિચંદ્રન નાયર સ્વામિનારાયણ મંદિરની સામે પંચર બનાવવાનો વ્યવસાય કરે છે. મણિચંદ્રને લૉકડાઉન પહેલા પિયુષ પટેલ ઉર્ફે પિયુષ મહેસાણી નામના વ્યક્તિ પાસેથી રૂ. 30 હજાર વ્યાજે લીધા હતા. જેમાં દરરોજના 300 રૂપિયા ભરવાના હતા. તેમણે 11 હજાર 100 ચૂકવી દીધા હતા. પરંતુ ત્યારબાદ લૉકડાઉનના કારણે ધંધો બંધ થઈ જતાં તેઓ બાકીના 18 હજાર 900 અને 15 ટકા પ્રમાણેનું વ્યાજ ચૂકવી શક્યા ન હતા.
લૉકડાઉન પૂરું થતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી શરૂ કરી
લૉકડાઉન ખૂલી જતા પિયુષ પટેલ અવારનવાર મણિચંદ્રન પાસેથી પૈસાની ઉઘરાણી કરી પૈસા ચૂકવી દેવા દબાણ કરતો હતો અને વારંવાર દુકાને આવી માર પર મારતો હોવાનું મણિચંદ્રને પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે. આજે બપોરે 1 વાગ્યે પિયૂષ તેની કાર નંબર જીજે 19 એમ 6923 લઈને સ્વામિનારાયણ મંદિર પાસે મણિચંદ્રનની દુકાને આવ્યો હતો અને દાદાગીરી કરી રહ્યો હતો. ત્યારબાદ વ્યાજખોરે પંચરવાળાને જાહેરમાં જ લાફા મારી દીધા હતા. ત્યારબાદ લોકો ભેગા થઈ જતા વ્યાજખોર પિયૂષ ભાગી ગયો હતો. પિયૂષે મળતિયા બાપુ નામના શખ્સ કે જે ખુશ્બુ હોસ્પિટલ પાસે ઊંઝા નામથી મસાલાનો ધંધો કરતો હોય તેને ફોન કરી ધમકી આપી હતી અને બે દિવસમાં જો પૈસા નહિ આપે તો મણિચંદ્રનને દુકાનમાં ટાયર સાથે સળગાવી દેવાની ધમકી આપી હતી. લોકોએ પિયુષનો ઉધડો લેતા તે ત્યાંથી ગાડી લઈને નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના અંગે મણિચંદ્રને બારડોલી પોલીસમાં લેખિતમાં અરજી આપી હતી. અરજી અંગે ટાઉન બીટના જમાદાર એએસઆઈ ભાવેશ મકવાણાને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે, પોલીસ સ્ટેશનમાં આ અંગેની અરજી મળી છે જેની તપાસ માટેની તજવીજ શરૂ કરાઈ છે.