- મુખ્યપ્રધાન રૂપાણી આજે સુરતની લેશે મુલાકાત
- સુરત મહાનગરપાલિકા-ડોક્ટરો સાથે કરશે ચર્ચા
- સુરતમાં છેલ્લા 24 કલાકમાં 245 કોરોના કેસ નોંધાયા
- 11 કોરોના દર્દીના થયા મોત,કુલ મૃત્યુઆંક 200ને પાર
સુરત: જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણના પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સુરતની મુલાકાત લેશે. સુરત પહોંચ્યા બાદ સર્કિટ હાઉસ ખાતે જશે અને ત્યાં સુરત મહાનગરપાલિકા અને ડોક્ટરો સાથે બેઠક કરશે. આ બેઠક લગભગ 11:00 વાગ્યેથી 1:00 વાગ્યા સુધી ચાલે એવી સંભાવના છે, ત્યારબાદ આશરે 2:00 કલાકે તેઓ અમદાવાદ જવા નીકળશે.
નોંધનીય છે કે, છેલ્લા પાંચ દિવસથી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. આ દરમિયાન જયંતિ રવિએ અલગ અલગ ઝોનના અધિકારીઓ, સિવિલ-સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટર્સ સહિત આરોગ્ય વિભાગ સાથે બેઠકો કરી હતી. સુરત શહેર અને જિલ્લામાં 245 કેસ નોંધાવાની સાથે 11 દર્દીઓના મોત થયા છે. જેના કારણે ક્લસ્ટર સહિત જે ઝોનમાં વધુ કેસ આવ્યા છે. તે વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પણ બંધ કરી દેવામાં આવ્યાં છે.
આ અંગે વાત કરતાં પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, કેસોના સંક્રમણને અટકાવવાના સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ વિવિધ વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવીને ત્યાં જરૂરી સુવિધા પહોંચાડવાનું આયોજન કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અત્યાર સુધીમાં 5967 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 220 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જ્યારે 3635 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે.