સુરત: સહારા દરવાજા ખાતે આવેલ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે હવે સ્મીમેર હોસ્પિટલને અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં સ્મીમેરની પ્રથમ એક્ઝિક્યુટિવ મીટીંગ મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં હવે કેમ્પસની અંદર રાત્રીના સમયે ત્રાહિત વ્યક્તિઓ ન બેસે તે માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાંથી અંગદાનની પ્રવૃત્તિ વધે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે તેમ સુરતના મેયરે જણાવ્યું હતું.
કડક સુચના: આ અંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સ્મીમેરની પ્રથમ એક્ઝિક્યુટિવ મીટીંગમાં સર્વણીમ ગ્રાન્ટમાંથી 26 કરોડ રૂપિયા મળ્યા છે જેથી આવતા સમયમાં સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન અમે સ્મીમેર હોસ્પિટલ માટે ખરીદશું, અંગદાન અને કાર્ય કરતી સંસ્થાઓ સાથે મળીને સ્મીમેર હોસ્પિટલમાંથી અંગદાનની પ્રવૃત્તિ વધે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં કે જ્યાં કેમેરા નથી તે જગ્યાએ પણ કેમેરા મૂકવામાં આવશે. તેમજ સ્મીમેર હોસ્પિટલમાં રાત્રીના 10 વાગ્યા બાદ અસામાજિક તત્વો બેસી ન રહે તે માટેની કડક સૂચના આપવામાં આવી છે. તેનું કડક પણે પાલન કરવામાં આવશે.
ફરજીયાત બાયોમેટ્રિક હાજરી: વધુમાં જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ હશે તો તેના કાર્ડ પણ ચેક કરવામાં આવશે. આ ઉપરાંત રાતે આવતા લોકોને ગાડીના પાસ પણ આપવામાં આવશે. સ્મીમેરમાં અસામાજિક તત્વો બેસી રહેતા હોય અને એફઆરઆઈ કરવી પડશે તો એફઆરઆઈ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર જે કર્મચારીઓ કામ કરે છે. તેઓની ફરજીયાત બાયોમેટ્રિક હાજરી લેવામાં આવશે. એમઆરઆઈ અને સીટી સ્કેન મશીનની મહત્વની જરૂરિયાત હતી.