સુરતઃ દેશભરમાં ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરનો હીરા ઉદ્યોગ ફરી એક વખત ચિંતામાં મુકાયો છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે હાહાકાર મચ્યો છે. જેમાં વાઇરસના કારણે ચીનના હોંગકોંગમાં ડાયમંડ જ્વેલરીનો વ્યવસાય કરતા હીરા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. બીજી તરફ સુરતમાં તૈયાર થતી ડાયમંડ જ્વેલરીનું 37 ટકા માર્કેટ હોંગકોંગ છે. તેમજ હાલ આ માર્કેટને મોટું ગ્રહણ લાગતા વેપારીઓની મુંઝવણ વધી છે.
ચીનમાં કોરોના વાઇરસના કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા 3 માર્ચ સુધી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઈ ત્યાંની જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝએ પણ 3 માર્ચ સુધી વેકેશન જાહેર કરવાની ફરજ પડી છે. જેના કારણે હોંગકોંગમાં ડાયમંડ જ્વેલરીનો વ્યવસાય કરતા વેપારીઓ હવે ભારત તરફ વળી રહ્યા છે. જેમાં જવેલરીનું મોટું માર્કેટ હોંગકોંગ માનવામાં આવે છે. પરંતુ હોગકોંગમાં વેકેશન જાહેર કરી દેવાતા આવતા ડાયમંડ જ્વેલરીના માર્કેટ પર બ્રેક લાગી ગઈ છે. તેમજ હીરા ઉદ્યોગ ચિંતામાં સરી પડ્યો છે. છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે ધીમી ગતિએ તેજી પકડી હતી. જ્યાં વેપારની આશા સેવી બેઠેલા વેપારીઓની આશાઓ પર પાણી ફરી વળ્યાં છે.
આગામી દિવસોમાં હોંગકોંગ ખાતે ડાયમંડ જ્વેલરીનું એક્ઝિબિશન પણ થવાનું છે. જે એક્ઝિબિશનથી ડાયમંડના વેપારીઓને પણ વેપારની મોટી આશાઓ છે. પરંતુ જે પ્રકારે ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. તેને જોતા આ એક્ઝિબિશન અટકી પડવાની ભીતિ સેવાઇ રહી છે. જો આવી પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં હીરા ઉદ્યોગ માટે આ ચિંતાનો વિષય બની રહેશે અને વેપારધંધામાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
મહત્વની વાત છે કે, સુરતના હીરા ઉદ્યોગનું મોટું માર્કેટ ચીન છે. જ્યાં સુરતથી મોટા પ્રમાણમાં ડાયમંડ જ્વેલરી વેચાણ થાય છે. પરંતુ ચીનમાં ચાલી રહેલા વાઇરસે સુરતના ડાયમંડ વેપારીઓની ચિંતામાં વધારો કરી દીધો છે. જો કે, સુરતનું હીરા ઉદ્યોગ હાલ તો ચીનમાં પરિસ્થિતિ થાળે પડવાની આશા લગાવી બેઠા છે.