- બે દિવસથી વરસી રહ્યો છે કમોસમી વરસાદ
- પૂરતો પુરવઠો ન મળતા પીલાણ બંધ કરવું પડ્યું
- ખેતરોમાં વાહતુક કરતી ટ્રકો અને ટ્રેકટરોના પૈડાં થંભ્યા
બારડોલી: શહેર સહિત સમગ્ર સુરત જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે જિલ્લાની સુગર ફેક્ટરીઓમાં શેરડી પીલાણ બંધ થઈ ગયું છે. બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે કાપણી બંધ રહેતા પુરતો પુરવઠો ન મળવાથી કેટલીક સુગર ફેક્ટરીઓમાં ગતરોજથી પીલાણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. જે બીજા દિવસે પણ શરૂ થઈ શક્યું ન હતુ. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત અને તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ઝરમર વરસાદ બાદ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદની સીધી અસર તમામ સુગર ફેક્ટરીઓના શેરડી પીલાણ કાર્ય પર પડી છે.
ખેતરોમાં પાણી ભરાય જવાથી કાપણી બંધ
શુક્રવારે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ખેતરોમાં વાહતુક કરતી ટ્રકો અને ટ્રેક્ટરના પૈડાં થંભી ગયા હતા. આ દરમિયાન રાત્રે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાય જવાથી શેરડી કાપણી બંધ કરવાની ફરજ પડી છે. કાપણી બંધ થવાથી પુરતો જથ્થો સુગર ફેક્ટરી સુધી આવી ન શકતા કેટલીક સુગર ફેક્ટરીઓમાં પીલાણ કાર્ય હાલ પૂરતું બંધ થઈ ગયું છે.
મઢી સુગર ફેક્ટરીમાં ઓછા જથ્થાથી પીલાણ ચાલુ રાખ્યું
શનિવારે પણ આખો દિવસ વરસાદી વાતાવતરણને કારણે કાપણી શરૂ થઈ શકી ન હતી. જો રાત્રે કે આવતીકાલે વરસાદ ન પડે તો રવિવારે બપોર બાદ સંભવતઃ ફરીથી સુગર ફેક્ટરીઓનું પીલાણ કાર્ય શરૂ થઈ શકશે. જો કે હાલ તો બારડોલી, ચલથાણ સહિતનું સુગરમિલોમાં શેરડી વાહતુક ન થવાથી પીલાણ બંધ રાખવામાં આવ્યું છે. બીજી તરફ મઢી સુગર ફેક્ટરીમાં ઓછા જથ્થા સાથે પીલાણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
રવિવારે બપોર પછી શરૂ થઈ શકે છે સુગર ફેક્ટરીઓ
બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યુ હતું કે, વરસાદને કારણે ખેતરોમાં વાહન જઇ શકે એમ નથી તેમજ કાપણી પણ બંધ હોવાથી શેરડીનો પુરવઠો ન હોવાથી હાલ પીલાણ કાર્ય બંધ કરાયું છે. જો વરસાદ ન થાય તો રવિવાર બપોર પછી સુગર ફેક્ટરીઓમાં પીલાણ શરૂ થઈ શકશે.