સુરત : મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના આદેશ બાદ શેરી ગરબાના આયોજનોને લઈ 5500થી વધુ સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરીઓ સાથે મિટિંગો યોજી હતીજેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો ગરબા થશે તો નોટિસ આપવામાં આવશે. રાજ્ય સરકારે આપેલા દિશા નિર્દેશ મુજબ શેરી ગરબાના આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ માતાજીની આરતી અને પૂજા કરવા માટેની નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. જોકે, લોકોનો જમાવડો થાય તેવા કાર્યક્રમોના ન કરવા માટેની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આ માટે દરેક ઝોનમાં એક ટીમ બનાવવામાં આવી છે. જે ટીમો દ્વારા સુરતના અલગ-અલગ સોસાયટીઓમાં થતા કાર્યક્રમો પર બાઝ નજર રાખવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જો નીતિ - નિયમોનો ભંગ કરવામાં આવશે તો પ્રથમ સમજાવટ બાદ શક્ય હશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ ઘરમાં રહીને જ માતાજીની આરતી અને પૂજા કરી નવરાત્રીના પર્વની ઉજવણી કરે.