સુરત : સરકારી શાળામાં થનાર ભણતરને લઈ હંમેશાથી લોકો પ્રશ્નાર્થ ઊભા કરતા હોય છે. પરંતુ આજે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે સરકારી શાળામાં ભણનાર વિદ્યાર્થીઓએ ફાઇવ સ્ટાર ગણાતી શાળાના વિદ્યાર્થીઓને પણ પાછળ મૂકી દીધા છે. મજૂરી કામ કરનાર, રત્નકલાકાર અને સંચા કારખાનામાં કારીગરના બાળકોએ સરકારી શાળામાં ભણી 90 ટકાથી પણ વધારે પર્સન્ટેજ મેળવ્યા છે.
સરકારી શાળાના તેજસ્વી તારલા :સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરા વિસ્તારમાં આવેલી સુમન હાઇસ્કુલ છમાં ભણતી ધોરણ 12ની વિદ્યાર્થીની પાટીલ જાગૃતિ રણછોડભાઈએ 95.57 ટકા મેળવ્યા છે. જાગૃતિના પિતા ઘર છોડીને ચાલ્યા ગયા હતાં. જેથી માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. તે સીએ બનવા માંગે છે. જાગૃતિની જેમ જ સરકારી શાળામાં ભણનાર પાટીલ દુર્વેશ સમાધાન એ 90.14 ટકા હાંસલ કર્યા છે દુર્વેશના પિતા મજૂરી કામ કરે છે. સુમન હાઇસ્કુલ છમા ભણનાર ગુરવ પ્રફુલ શરદ આજે આવેલા પરિણામમાં 90.86 ટકા માર્ક્સ મેળવ્યા છે. ગુરવના પિતા અવસાન પામી ચૂક્યા છે જ્યારે તેની માતા ઘરકામ કરી તેને ભણાવે છે.
સુમન હાઇસ્કુલની શાળા નંબર 13 અને 17 નું પરિણામ સો ટકા આવ્યું છે. હાલ સુરત શહેરમાં કુલ 23 સુમન હાઇસ્કુલ કાર્યરત છે જેની અંદર ટેકનોલોજી સાથે આધુનિક ઢબે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણસ્તર આટલી હદે સારી છે કે એડમિશન માટે વેઇટિંગ થાય છે સુરત શહેરમાં સુમન હાઇસ્કુલ વર્ષ 2021થી શરૂ થઈ છે જેમાં ધોરણ 11 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. સારી લાયકાતના શિક્ષકો દ્વારા જે શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે તેના કારણે જ આ પરિણામ આવ્યું છે...પરેશ પટેલ (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન)
કારીગર વર્ગના બાળકોની સફળતા :આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામમાં એવા વિદ્યાર્થીઓની સફળતા ચમકી રહી છે જેમના પિતા સંચા કામ, જરીકામ, ડાઈન પ્રિન્ટિંગ કામ, મજૂરી કામ કરે છે. સુરત સરકારી શાળામાં ભણનાર ટોપ ટેન જે વિદ્યાર્થીઓ છે તેમાંથી ચાર એવા વિદ્યાર્થીઓ છે કે જેમના પિતા રત્ન કલાકાર છે અન્ય વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો કોઈના પિતા સંચા કામ, જરીકામ, ડાઈન પ્રિન્ટિંગ કામ, મજૂરી કામ કરે છે.
માધ્યમવાર પરિણામ : સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમનું પરિણામ કુલ 91.98 ટકા જ્યારે મરાઠી માધ્યમ નું પરિણામ 92.41 ટકા અને હિન્દી માધ્યમનું પરિણામ 90.96 તથા આવ્યું છે.