- શખ્સો દર મહિને 25 હજારનો હપ્તો માંગતા હોવાનો આરોપ
- ગલ્લામાંથી રોકડા 18,700 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર
- અન્ય હોટલ્સમાં પણ આતંક મચાવી રહી છે આ ટોળકી
બારડોલી: સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી વિજય હોટલના માલિક ચતુર પટેલ શુક્રવારના રોજ હોટેલના કાઉન્ટર પર બેઠા હતા. તે સમયે કામરેજ વિસ્તારમાં જ રહેતો સકો નામનો શખ્સ અન્ય 5 સાગરીતો સાથે હોટેલ પર પહોંચ્યો હતો અને હોટલ માલિક સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. બાદમાં સકો અચાનક ઉશ્કેરાઈ ગયો અને અન્ય સાગરીતો સાથે મળી હોટલ માલિકને માર મારવા લાગ્યો હતો. હોટલમાં જમવા માટે આવેલા ગ્રાહકો પણ મારામારી જોઈને હોટલ છોડી ભાગ્યા હતા.
આ પણ વાંચો: બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું
સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
મારામારી બાદ શખ્સો હોટલના કાઉન્ટરમાંથી લગભગ 18,700 રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હોવાનો હોટલ માલિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના હોટલમાં લગાવવામાં આવેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં એક શખ્સ કાઉન્ટર પર બેઠેલા હોટલ માલિકને માર મારતો નજરે પડે છે. દૂરથી આવી કાઉન્ટર પર જોરથી પ્લાસ્ટિકની ખુરશીનો વાર કરે છે અને ત્યારબાદ કાઉન્ટર પર મૂકેલી પાણીની બોટલ ઊંચકીને બેરહમી રીતે મારી ધમકી આપતો નજરે પડે છે.
પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી
આ સમગ્ર ઘટના અંગે હોટલ માલિકે કામરેજ પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી. કામરેજ PI એમ.એમ. ગીલાતરે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, હોટલમાં બનેલા મારામારીના ગુનામાં હાલ ફરિયાદ માટેની તજવીજ ચાલી રહી છે. ત્યારે, ફરિયાદ તેમજ હોટલના CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો
અસામાજિક તત્વો વારંવાર ધમકી આપતી હતા
ભોગ બનનાર ચતુરભાઈના ભાઈ ડાહ્યાભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આ અસામાજિક તત્વો અવારનવાર આતંક મચાવે છે અને મારા માણસો આવે તેને મફત જમાડવા, નહીં તો ધંધો નહીં કરવા દઉં એવી વારંવાર ધમકીઓ આપે છે. આ અંગે પોલીસમાં અરજી આપી છે. અન્ય હોટલમાં પણ આ તત્વોનો ત્રાસ છે પણ કોઈ ફરિયાદ કરતું નથી.