સુરત: કામરેજ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક સર્જાય છે. તંત્રની ગંભીર બેદરકારીને કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફીકમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આંબોલી નજીક અમદાવાદ - મુંબઈ નેશનલ હાઇવે પર તાપી નદીના બ્રિજ ઉપર લોખંડની પ્લેટ ખસી જતાં ભારે ટ્રાફિક સર્જાય છે.
બેદરકારીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ: NHAIની બેદરકારીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. થોડા દિવસો પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે લોખંડની પ્લેટ બદલવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ થોડા સમયમાં જ તાપી નદીના બ્રિજ ઉપર સ્પાન ને જોડતી લોખંડની પ્લેટ ખસી જતાં વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બન્યા છે.યોગ્ય મરામત ને અભાવે થોડા થોડા સમયે બ્રિજ ઉપરની લોખંડની પ્લેટ ખસી જાય છે. જેને કારણે હાઇવે ઉપર લાંબો ટ્રાફિક સર્જાય છે.
"પ્લેટ ખસી જવાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે.હાલ રીપેરીંગ કામગીરી શરૂ છે. રીપેરીંગ કામગીરીને લઈને એક લાઈન બંધ કરવામાં આવી છે.હાલ હાઇવે પર હળવો ટ્રાફિક પણ સર્જાયો છે" --નરેન્દ્ર ભાઈ (NHAI વિભાગના સુપર વાઇઝર)
વાહન ચાલકોમાં રોષ: થોડા સમય પહેલા જ NHAI દ્વારા અંદાજે 14 લાખના ખર્ચે લોખંડની પ્લેટ બદલવાની કામગીરી કરવામાં આવી હતી. આ વાત ને હજી લબો સમય પણ નથી થયો તેવામાં ફરી વખત બ્રિજ લોખંડની પ્લેટ ખસી જતા વાહનચાલકો અકળાયા છે. NHAI દ્વારા માત્ર પ્લેટ મૂકી વેલ્ડીંગ કરી કામ ચલાઉ કામગીરી કરવામાં આવી રહી છે. એક તરફ NHAI વાહન ચાલકો પાસે સારો એવો ટેક્સ વસુલે છે. તો બીજી તરફ વાહન ચાલકોને સારી સુવિધા ન મળતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
યુદ્ધના ધોરણે રીપેરીંગ: આંબોલી તાપી નદીના બ્રિજ ઉપર સતત ત્રીજી વખત લોખંડની પ્લેટ ખસી જતાં NHAI ના અધિકારીઓ કામે લાગ્યા છે.ફરી ખસી ગયેલી લોખંડની પ્લેટ રીપેરીંગ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વાહન ચાલકો વારંવાર થતી આ ઘટનાને લઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે,આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે,હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ NHAI ની ટીમ દોડતી થઈ છે અને તાપી નદીના બ્રિજ ઉપર યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.