- સુરતના ઓલપાડ તાલુકા અને ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદ
- ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં
- લાંબા સમયગાળા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
સુરત : હવામાનની આગાહીને પગલે સમગ્ર સુરત જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જામ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરતના ઓલપાડ તાલુકા અને ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે વીરા નદીમાં પાણીની આવક થઇ હતી. પાણીની આવકને કારણે વીરા નદી તોફાની બની હતી. લાંબા સમયગાળા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.
ઓલપાડ તાલુકાના કીમ ગામે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી ભરાયા હતા. કીમ ગામની અમૃત નગર સોસાયટી અને ગોવિંદ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વર્ષો પહેલા પંચાયત દ્વારા બનાવવામાં આવેલી સાંકળી ગટરો અને ડ્રેનેજ લાઈનના પગલે દર વર્ષે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.
જ્યારે પંચાયત દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં નહી આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. સ્થાનિકો દ્વારા વારંવાર પંચાયતને રજૂઆત કરવામાં આવી છતાં પંચાયતના સત્તાધીશો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, જેમ બને તેમ જલ્દી આ ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવે.