ઓલપાડ તાલુકાના કિમ ગામમાં શુક્રવારે મોડી રાતના સતત 2 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. સતત વરસાદના પગલે રસ્તા પર, સોસાયટીમાં અને લોકોના ઘરમાં વરસાદના પાણી ફરી વળ્યાં હતા તથા હોસ્પિટલ અને મંદિરમાં પણ વરસાદના પાણી ભરાયા હતા. રાત્રીના સમયે સતત 2 કલાક વરસેલા વરસાદે રહીશોની ઊંઘ ઉડાડી દીધી હતી. લોકો પોતાના ઘરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ભારે વરસાદ અને કિમમાં ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીને પગલે કિમની જીવન ધારા સોસાયટી, સાધના હોસ્પિટલ તેમજ અમૃતનગર સહિતની સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. બીજી બાજૂ વાત કરવામાં આવે તો આ સોસાયટીના રહીશોની સમસ્યાથી સ્થાનિક તંત્ર અજાણ હતું. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે, સરપંચ તથા ડેપ્યુટી સરપંચને વારંવાર ફોન કરવા છતાં પણ તઓએ ફોન ઉઠાવ્યા ન હતા. તેમજ આગાઉ પણ વરસાદના પાણી ભરાયા હતા, ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ઉદાસીનતા દાખવી હતી.