સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ચોથા આસમાને પોંહચી રહ્યો છે ત્યારે ગરમીના કારણે શહેરીજનો કપરા તાપમાં શેકાઈ રહ્યા છે. ગરમીમાં પોતાની તરસ છીપાવવા મોટાભાગના લોકો ચિલ્ડ ડ્રિંકિંગ વોટરનો સહારો લઈ રહ્યા છે. શહેરમાં 600થી પણ વધુ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ આવેલા છે. જ્યાં મોટાભાગના પ્લાન્ટ સુરત મનપાના આરોગ્ય એન્ડ ફૂડ સેફટી તેમજ BISના લાયસન્સ વિના જ ધમધમી રહ્યા છે. હલકી ગુણવત્તાનું ડ્રિંકિંગ વોટર આપી વધુ નફો મેળવવાની લાલચમાં પ્લાન્ટ સંચાલકો શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય એમદ ફૂડ સેફટી દ્વારા 3 ઝોનમાં આવેલા ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો.
આ તપાસ દરમિયાન અગિયારથી વધુ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ધારકો પાસે ફૂડ સેફટી એન્ડ BISનું લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું હતુ. જ્યાં તમામ પ્લાન્ટ ધારકો પાસેથી દંડ વસુલી પ્લાન્ટને સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક પ્લાન્ટ ધારકોને આરોગ્યલક્ષી નોટિસ પણ ફટકારવામાં આવી છે.