સુરત: સુરત શહેરમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધામાં સુરત શહેર પોલીસની 8 પુરુષો અને 8 મહિલા ટીમે ભાગ લીધો હતો. સુરત પોલીસ કમિશનર અજય તોમર, જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડા, જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ, શહેરના અગ્રણીઓ, રમતવીરો, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખેલાડીઓમાં ઉત્સાહ વધાર્યો હતો.
"આ દેશના નાગરિકો "મારી માટી મારો દેશ" અભિયાનમાં જોડાય. કાશ્મીર થી કન્યાકુમારી સુધીના ગામડાઓમાં એક અલગ પ્રકારની જાગૃતિ લોકોમાં નજરે પડી છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરના નાગરિકો સાથે મળીને સુરત પોલીસની પુરુષ અને મહિલા એમ અનેક ટીમો મળીને પહેલા ભાગ લીધો અને ત્યારબાદ 2 ટીમ વિજેતા થઈ.."--હર્ષ સંઘવી (રાજ્ય ગૃહ પ્રધાન)
માટીની રમતથી દૂર: હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આજની ટેકનોલોજી વાળી દુનિયામાં મારી ઉંમરના અથવા મારી ઉંમરથી નાના લોકો માટીની રમતથી ધીરે ધીરે દૂર થઈ રહ્યા છે. તેઓ ટેકનોલોજી સાથે જોડાયેલા ગેમ્સમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. સાથે જ શહેરના ચારે ખૂણામાં કબડ્ડી કબડ્ડી જય હિન્દ જય હિન્દ ના નારા સાથે આ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
![સુરત શહેર પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-08-2023/gj-sur-kabaddi-police-gj10058_20082023182957_2008f_1692536397_746.jpg)
ગૃહપ્રધાનના હસ્તે ઈનામ વિતરણ: આ કબડ્ડી સ્પર્ધામાં પુરુષોની ફાઇનલ મેચમાં સુરત પોલીસ હેડક્વાર્ટર અને ઝોન -3 વચ્ચે રોમાંચક ટક્કર થઇ હતી. જેમાં ઝોન -3ની પુરુષોની ટીમ વિજેતા બની હતી. તથા મહિલા ફાઇનલ મેચમાં સુરત પોલીસ હેડક્વાર્ટર અને ઝોન -4 વચ્ચે રોમાંચક ટક્કર થઇ હતી. જેમાં સુરત પોલીસ સુરત હેડકવાર્ટરની મહિલા ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને રાજ્યના ગૃહપ્રધાનના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધાનું આયોજન પોલીસ જવાનોની સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે તે માટે કર્યું હતું. તથા પોલીસ જવાનો રમતગમતને કારણે ફીટનેસ જાળવી રાખે તે ઉદ્દેશ્યથી કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું.