સુરત: જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. સુરત જિલ્લામાં જળાશયોમાં પણ મોટી માત્રામાં પાણીની આવક થઇ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી 325 ફૂટ પર પહોંચી ગઈ છે. હાલ સતત મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે.
ખેડૂતોને મળશે પાણી: ઉકાઈ ડેમની જળ સપાટી 325 ફૂટ પર પહોંચી જતા આ વર્ષે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળી રહેશે તેવી આશાએ વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગર, શેરડી, શાકભાજીની ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે સરકાર ખેડૂતોના પાકના ટેકાના ભાવ સારા આપે તેવી માંગ કરી રહ્યા છે.
'ઉકાઈ ડેમની સપાટી 325 ફૂટ પર પહોંચી જતા ખેડૂતો માટે સારા એક સારા સમાચાર છે. સુરત જિલ્લામાં અંદાજિત 55 હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી થાય છે તેમજ હજારો હેક્ટરમાં શેરડી અને શાકભાજીની ખેતી થાય છે. ઉકાઈ ડેમમાં માત્રામાં પાણીનો જથ્થો હોવાથી ઉનાળામાં ખેડૂતોને સિંચાઇના પાણીની અગવડ નહિ પડે. તેમજ હાલ જે રીતે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તે પણ ખૂબ લાભદાયક છે. આ વરસાદની હજુ સુધી સુરત જિલ્લાના ખેડૂતોના પાકને નુકશાન થયું નથી જે પણ સારી વાત છે.' -સતીશ ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી, સુરત
ખેડૂતોમાં આનંદ: સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ પટેલએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં જે રીતે પાણીની આવક થઈ રહી છે. જેને લઇને ઉકાઈ ડેમ 325 ફૂટ પર પહોંચી ગયો છે. જેને લઇને દક્ષિણ ગુજરાતના પાંચ લાખ ખેડૂતોમાં આનંદ છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો ઉકાઈ ડેમ પર નિર્ભર છે. તેમજ સુરત જિલ્લાના 80 લાખ લોકોને પીવાનું પાણી પણ મળી રહેશે તેમજ હાલ જે રીતે મેઘરાજા મહેરબાન છે તેનાથી પણ પાકોને ફાયદો થઈ રહ્યો છે.