સુરત શહેરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો (Gujarat Assembly Election 2022) પ્રચાર હિંસકરૂપ ધારણ કરતા જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો રોડ શો કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોસાયટીની બહાર પીએમ મોદી સમર્થકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. તે દરમિયાન ઉશ્કેરાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોદી સમર્થકોને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પથ્થરમારાનો આરોપ લગાવીને એક યુવકને પંજાબથી આવેલા AAPના કાર્યકરોએ માફી મંગાવી હતી અને ધમકાવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે સુરત પોલીસે જણાવ્યું છે કે, એ પથ્થર મારાની ઘટના બની જ ન હતી.
પોલીસે બળ પ્રયોગ પણ કર્યો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સુરતમાં પ્રચાર હિંસક રૂપમાં જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સુરતના કતારગામ વિસ્તારમાં રોડ શો (Kejriwal road show in Katargam area of Surat) કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ સીતારામ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. મદનનગર પાસે કેટલાક મોદી સમર્થક લોકોએ રેલી જોઈ મોદી મોદીના નારા લગાવવા શરૂ કરી દીધા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોદી સમર્થકો ઉપર ઝંડા વડે હુમલો કરવા લાગ્યા હતા. ડંડા વડે માર મારવા લાગ્યા હતા. ત્યાં સ્થાનિક પોલીસ અને ફોર્સના જવાનો પણ હાજર હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોદી સમર્થકોના ઘર્ષણને રોકવા માટે પોલીસે બળ પ્રયોગ પણ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાજપ વાળા બચાવવા આવશે નહીં જ્યારે અરવિંદ કેજરીવાલનો રોડ શો ત્યાંથી આગળ વધ્યો અને ધનમોરા પાસે પહોંચવાનો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, તેમના રોડ શો પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો. જોકે આરોપમાં એક કિશોરને આમ આદમી પાર્ટીના પંજાબથી આવેલા કાર્યકરો અને સ્થાનિકોએ પકડી લીધા હતા. આરોપ લગાવ્યા હતા કે આ કિશોરે રોડ શો પર પથ્થરમારો કર્યો છે. જોકે કિશોરે જણાવ્યું હતું કે, તેને કશું કર્યું જ નથી. પંજાબથી આવેલા એક કાર્યકરે કિશોરને ધમકાવતા કહ્યું હતું કે તે એ ખોટું કર્યું છે. હું જાહેરમાં કહું છું કે તને ભાજપ વાળા બચાવવા આવશે નહીં. એટલું જ નહીં કિશોર વારંવાર કહેતો રહ્યો કે તેને નથી માર્યો તેમ છતાં તેની પાસેથી માફી મંગાવવામાં આવી હતી.
પોલીસે સમયસર છુટા પાડ્યા આ સમગ્ર ઘટનાક્રમ અંગે DCP પિનાકીન પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાઈ સિક્યુરિટી વચ્ચે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા રોડ શો કાઢવામાં આવ્યો હતો. પથ્થર મારાની કોઈ ઘટના બની નથી. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝગમગ થઈ હતી. જેને પોલીસે સમયસર છુટા પાડ્યા હતા.