સુરતઃ બારડોલી દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પકડાયેલા બંને આરોપીઓના વધુ બે દિવસના એટલે કે 25મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ માંડવી કોર્ટે મંજુર કર્યા છે.
મળતી માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સૂર્યપુર સોસાયટીમાં રહેતા દુર્લભભાઈ પટેલે 7મી સપ્ટેમ્બરના રોજ ખંજરોલી ખાતે આવેલા સ્ટોન ક્વોરીની ખાણમાં આત્મહત્યા કરી હતી. દુર્લભભાઈની આત્મહત્યા બાદ તેના પુત્ર ધર્મેશે રાંદેર PI લક્ષ્મણ સિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર કોસીયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય ભોપાળા, કિરણસિંહ રાઇટર વિરુદ્ધ આત્મહત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં અનેક પુરાવાઓ એકત્રિત કર્યા છે પરંતુ હજી સુધી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી તે દરમિયાન પકડાયેલા ભાવેશ સવાણી અને રાજુ ભરવાડના ગુરૂવારના રોજ રિમાન્ડ પૂર્ણ થતા હોવાથી બંનેને માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે બંનેના વધુ રિમાન્ડની માગ કરી હતી.
ઇન્કમટેક્સમાં આપવા માટે એક બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું. જે રાજુની ગાડીમાંથી મળી આવ્યુ હતુ. જેના વેરિફિકેશન માટે તેમજ ગુનો નોંધાયા પછી ભાગ્યા બાદ તેમણે નવો મોબાઇલ ફોન ખરીદ્યો હતો, એ મોબાઈલ ફોન ક્યાંથી લીધો તેની તપાસ માટે વધુ રિમાન્ડની માગ કરતા કોર્ટે 25મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
જ્યારે આ ગુનામાં સંડોવાયેલા 12 પોલીસ કર્મી કિરણસિંહ પરમાર અને અજય ભોપાળાએ બારડોલી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કર્યા હતા. જેની 21મીના રોજ સુનાવણી કર્યા બાદ 23મીએ કોર્ટમાં ચુકાદો હતો. પરંતુ કોર્ટે હવે આ ચુકાદો 24મી પર પેન્ડિંગ રાખ્યો છે.