સુરત : રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયે હજારો પરિવારનું સ્મિત છીનવી લીધું છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર ટ્રાફિક બ્રિગેડ TRB 6,400 જવાનોને છુટા કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ઉપરાંત આ જાહેરાતથી દરેક ટીઆરબી જવાન અને તેમના પરિવારજનોને માથે મુશ્કેલીનું આભ ફાટ્યું હોય તેવા સંજોગ થયા છે. ત્યારે સુરતની એક મહિલા ટીઆરબી જવાન પોતાની વ્યથા સંભળાવતા રડી પડી હતી. આંખમાં આંસુ સાથે આ મહિલા જવાને સરકારે પ્રશ્ન કર્યો હતો કે, મારો શું વાંક ?
રાજ્ય સરકારનો આકરો નિર્ણય : સુરત ટીઆરબીમાં ફરજ બજાવી રહેલા શારદાબેનને જ્યારથી જાણ થઈ કે, રાજ્યના 6,000 થી પણ વધુ ટીઆરબી જવાનોને છુટા કરી રહી છે. ત્યારથી જ તેઓ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતામાં સતત રડી રહ્યા છે. કારણ કે બે વર્ષ પહેલા શારદાબેનના પતિનું બિમારીના કારણે અવસાન થયું હતું. ત્યારથી તેઓના બે બાળકો સહિતના પરિવારની જવાબદારી શારદાબેનના માથે છે. હાલ સુધી ટૂંકા પગારમાં માંડ ગુજરાન ચાલતું હતું. હાલ સરકારના નિર્ણય બાદ શારદાબેનના મગજમાં એક જ વિચાર ઘૂમી રહ્યો છે કે, હવે નોકરી જશે અને બેરોજગાર થશે તો તેમના બાળકોના ભવિષ્યનું શું ?
બે બાળકોની સિંગલ મધર : શારદાબેન છેલ્લા પાંચ વર્ષથી સુરત ટીઆરબીમાં ફરજ બજાવી રહ્યા છે. તેમના પરિવારમાં હાલ બે બાળકો છે. બે વર્ષ પહેલાં પતિનું મૃત્યુ થતા બે બાળકોની વિધવા માતા એકલા હાથે પરિવારની દરેક જવાબદારી નિભાવી રહ્યા હતા. તેઓના પતિ પણ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા હતા. બે બાળકોના ભરણપોષણ અને શિક્ષણ સહિતની તમામ જવાબદારી તેઓ એકલા ઉઠાવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય શારદાબેન માટે આઘાતજનક છે.
સરકારની જવાબદારી રોજગાર આપવાની છે, લોકોને બેરોજગાર કરવાની નહીં. અમારે ઘરે બેસી જવું ? અમારા બાળકોનું શું થશે ? અમારા ઘરનું શું થશે ? બધાના ઘરમાં અલગ અલગ સમસ્યા હોય છે. અમારી રોજીરોટી અમને પાછી જોઈએ, અમારો હક્ક જોઇએ. -- શારદાબેન
પતિનું થયું અવસાન : ઓછા પગારમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરી પોતાના બાળકો ભરણપોષણ કરી રહેલા શારદાબેન સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે કે, સરકારની જવાબદારી રોજગાર આપવાની છે, લોકોને બેરોજગાર કરવાની નહીં. પોતાની વ્યથા સંભળાવતા શારદાબેનની આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. પતિના મૃત્યુ બાદ બે બાળકોની સંભાળ કરી રહેલી શારદાબેન માટે માત્ર આ નોકરી જ આજીવિકાનું સાધન છે.
શારદાબેનના સરકારને સવાલ : શારદાબેને ETV BHARAT ના માધ્યમથી પોતાનું દુઃખ અને રોષ દર્શાવતા કહ્યું કે, અમારે એટલું જ કહેવાનું છે કે સરકારનું કામ શું છે. બેરોજગારને રોજી આપવાનું હોય, આટલા બધા લોકોને બેરોજગાર કરવાનું ન હોય. અમારે ઘરે બેસી જવું ? અમારા બાળકોનું શું થશે ? અમારા ઘરનું શું થશે ? બધા પરિવાર સરખા નથી હોતા, બધાના ઘરમાં અલગ અલગ સમસ્યા હોય છે. મારે એટલું જ કહેવું છે કે, અમારી રોજીરોટી અમને પાછી જોઈએ, અમારો હક્ક જોઇએ, અમારે નોકરી કરવી છે, આટલા વર્ષ અમે આપેલા છે, અમારી નોકરી અમને પાછી જોઈએ.
સંઘર્ષમય જીવન : શારદાબેને વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં હું અને મારા બે બાળકો છે. મારા મિસ્ટર નથી, તેમની ડેથ થઈ ગઈ છે. તેઓ પણ ટ્રાફિકમાં જ હતા. દોઢ-બે વર્ષ થયા, તેઓ બીમાર હતા. મારા ઉપર જ મારું ઘર ચાલે છે. મારા બાળકો માટે માત્ર હું જ છું અને અમે ભાડેથી રહીએ છીએ. બસ મારી નોકરી એ જ મારો સહારો છે. અમારી લોકોને ઉંમર પણ થઈ ગઈ છે કે અમને બીજી જગ્યાએ નોકરી નહીં મળે. બસ અમને અમારી નોકરી પાછી જોઈએ બસ... સાથે તેઓએ કહ્યું હતું કે, 9000 રૂપિયા પગારમાંથી હું મારા છોકરાઓને દૂધ પણ પીવડાવી શકતી નથી. લોકો ઘરમાં દિવાળીમાં ચાર-પાંચ હજારના ફટાકડા લાવ્યા, હું મારા છોકરાઓ માટે પાંચસો રૂપિયાના ફટાકડા પણ લાવી શકી નથી.