સુરતઃ શહેરના શ્રી ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગીતા જયંતી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીતા નામ ધરાવતી 11000 મહિલાઓને એકત્ર કરવામાં આવી હતી. આ ગીતા નામક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને વર્લ્ડ વાઈડ બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદ ગીતા પ્રત્યેની જાગૃતિના ફેલાવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીતા નામક 11000 બહેનો ઉપરાંત સુરતના મેયર, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
'ગીતા' નામ રાખવા પ્રેરણાઃ વર્તમાનમાં માતા પિતા દીકરીનું નામ ગીતા રાખતા અચકાય છે. ગીતા નામ પાડવામાં માતા પિતાને જૂનવાણી હોવાનો સંકોચ અનુભવાય છે. જો કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીનું નામ ગીતા રાખવામાં આવે તો શ્રી ભગવદ ગીતા પ્રત્યેની જાગૃતિનો ફેલાવો વધુ થાય તે છે. ગીતા નામની વધુ દીકરીઓ સમાજમાં હોય તો શ્રીમદ ભગવદ ગીતા પ્રત્યેની જાગૃતિનો વધુ ફેલાવો થશે તેવો આયોજકોનો મત છે.
અગાઉનો રેકોર્ડ તુટ્યોઃ સુરતમાં ગીતા નામ ધરાવતી 11000 બહેનો એકજ સ્થળે એકત્ર થઈ હતી. જેમાં સુરત, તેની આસપાસના શહેર, ગુજરાત રાજ્યના અન્ય શહેરો, ભારતના અનેક રાજ્યો અને વિદેશથી પણ ગીતા નામક મહિલાઓએ ભાગ લીધો હતો. આ બહેનો અને ટ્રસ્ટના અથાક પ્રયત્નોને પરિણામે સુરતમાં આજે એક રેકોર્ડ સ્થપાયો છે. જો કે અગાઉ આવો જ સમાન નામ ધરાવતી મહિલાઓ એકત્ર થાય તેવો રેકોર્ડ બન્યો હતો. જો કે તેમાં માત્ર 2300 જેટલી સમાન નામ વાળી મહિલાઓ એક જ સ્થળે એકત્ર થઈ હતી. આ રેકોર્ડ તુટ્યો છે અને હવે સુરતના નામે નવો રેકોર્ડ બન્યો છે.
લોકોમાં શ્રીમત ભગવદ ગીતાનું જ્ઞાન વધે ગીતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો રેકોર્ડ પણ નોંધાયો છે. આવનારા સમયમાં અમે ગીતા નામક 50000 બહેનોને એકત્ર કરવાનું આયોજન કરવાના છીએ...અલ્પેશ પટેલ(સભ્ય, શ્રી ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત)