પુણા ગામ વિસ્તારમાં શુક્રવારના રોજ લોખંડના ઈલેક્ટ્રીક થાંભલાને અડકતા કાજલ નામની યુવતીનું મોત થયું હતું. DGVCLની બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપ સાથે પરિવાર અને શહેરના લોકોએ સ્મીમેર હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. યુવતીનું શુક્રવારે મોત થયું હોવા છતાં પરિવારે બીજા દિવસે પણ મૃતદેહ સ્વીકાર્યો નહોતો. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં લોકો પોસ્ટમાર્ટમ રૂમ બહાર બેસી ગયા હતા. ત્યારે બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસ કરી રહ્યા હતા.
પરિવાર અને સમાજના લોકોએ માંગણી કરી હતી કે, DGVCL ના જવાબદાર અધિકારીઓની સૌપ્રથમ ધરપકડ કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહની અંતિમ વિધિ પણ નહીં કરવામાં આવે. જો કે,પરિવારની માંગણીને ધ્યાનમાં રાખી DGVCLના અધિકારીઓએ વળતર રૂપે 4 લાખ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે.