સુરત: જિલ્લામાં ગાંજા જેવા નશીલા પદાર્થોના રવાડે યુવાનો ના ચડે અને નશીલા ગાંજાનું વેચાણ ન થાય તે માટે સુરત જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા ચાર દિવસમાં પોલીસે સુરત ગ્રામ્ય વિસ્તારમાં એક કરોડનો ગાંજો ઝડપી લીધો છે. વધુમાં પોલીસે આ ઘટનામાં કાલુ તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંજાની કિંમત 75 લાખથી વધુ: કોસંબા પોલીસ મથકના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે કોસંબાના કુવારદા ગામેની આવેલ શ્રી શિવ શક્તિ રેસિડેન્સીમાં મકાન નંબર ૧૦૬ની બહાર વાહનોમાં ગાંજો છૂપાવીને રાખવામાં આવ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો,પોલીસ જ્યારે સ્થળ પર રેડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક નહિ બે નહી પરંતુ સંખ્યાબંધ જેટલા પ્લાસ્ટિકના કોથળા ભરાય એટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની અધધ કિંમત 75 લાખથી વધુ હોવાનું સામે આવ્યું હતું.
કુલ ૨૪.૫૨ લાખનો મુદામાલ જપ્ત: બે દિવસ અગાઉ SOG પોલીસને બાતમી મળી હતી કે નવી પારડી ગામની સીમમાં આવેલા થારોલી ફળીયામાં રહેતા ભાવેશ મકવાણા નામના ઇસમેં તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં આવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જત્થો રહેલો છે. માહિતીના આધારે પોલીસે અહી દરોડો પાડી તપાસ કરતા ૨૪ લાખ ૪૭ હજાર અને ૪૦૦ રૂપિયાની કિમતનો ૨૪૪.૭૪૦ કિલોગ્રામ ગાંજાનો જત્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ઘટનામાં ભાવેશ ભૂપતભાઈ મકવાણાની ધરપકડ કરી હતી તેમજ બે મોબાઈલ અને ગાંજાનો જત્થો મળી કુલ ૨૪.૫૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
છૂટકમાં ગાંજાના જથ્થાનું વેચાણ: સુરતના કાલુ નામના ઇસમ પાસેથી પણ ગાંજાનો જથ્થો ખરીદતો હતો અને આરોપી ભાવેશ અને કાલુ તથા કાલુના માણસે મળી મોટા પ્રમાણમાં ગાંજાનો જત્થો મંગાવી આરોપી ભાવેશે તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં ગાય ભેસના ગમાણની પાછળ બનાવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જત્થો સંગ્રહ કર્યો હતો, જેમાંથી તેઓ બંને છૂટક તથા જત્થાબંધ વેચાણ કરવામાં આવતા હતા. વધુમાં પોલીસે આ ઘટનામાં કાલુ તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ચાર આરોપીની અટકાયત: થોડા દિવસોમાં મોટાં પ્રમાણમાં ઝડપાયેલ ગાંજાને લઈને સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરએ જણાવ્યું હતું કે સુરત ગ્રામ્ય પોલીસે થોડા દિવસ પહેલા 24 લાખથી વધુનો ગાંજો SOG પોલીસે ઝડપી લીધો હતો. હાલ કોસંબા પોલીસે ૭૫.૨૬ લાખનો ગાંજો ઝડપી લીધો છે, કોસંબા પોલીસે ચાર આરોપીની અટકાયત પણ કરી છે અને વધુ આરોપીના નામ ખૂલવાની સંભાવના છે કોસંબા હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.