સુરત : બારડોલી ખાતે આવેલા સુરત જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ગાંધી જયંતિ નિમિત્તે 500થી વધુ કાર્યકરો સાથે ખાદીની ખરીદી કરી હતી.
ખાદી ગ્રામોદ્યોગમાંથી ખરીદી ખાદી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને મેઇક ઇન ઈન્ડિયા સૂત્રોને ચરિતાર્થ કરવાના આશય સાથે ગુજરાત પ્રદેશ ભાજપ સી.આર.પાટિલ દ્વારા બારડોલીની ધુલિયા ચોકડી ખાતે આવેલ સુરત જિલ્લા ખાદી ગ્રામોદ્યોગમાં ઉપસ્થિત રહી ખાદીની ખરીદી કરી હતી.
મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહ્વાન છે કે, આખા દેશના લોકોએ અને ભાજપા દરેક કાર્યકર્તા, પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોએ ખાદી ભંડારમાંથી કઈક ને કઈક ખરીદવું. બારડોલીમાં 500થી વધુ કાર્યકર્તાઓ સાથે ખરીદી માટે આવ્યા છે. જેમાંથી 150 કાર્યકરોએ ખરીદી કરી લીધી છે. આ રીતે આખા રાજ્યમાં કાર્યકર્તા ખાદી ખરીદે એ માટે સૂચના આપી છે. ખૂબ જ મોટી સંખ્યા અને ખૂબ મોટી રકમમાં આ ખરીદી થશે જેનાથી ખાદી ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે..સી. આર. પાટીલ (અધ્યક્ષ, ગુજરાત ભાજપ)
ખાદી પર વિશેષ વળતર : બારડોલીમાં ગાંધી જયંતિથી સરદાર જયંતિ સુધી દર વર્ષે ખાદી પર વિશેષ વળતર આપવામાં આવતું હોય છે, જેને કારણે આ દિવસો દરમ્યાન ખાદીની ખરીદીમાં વધારો થતો હોય છે.
સી આર પાટીલે ખાદીનું કાપડ ખરીદ્યું : ખાદી ખરીદી માટે બારડોલી પહોંચેલા સી.આર. પાટીલે પોતાના માટે ખાદીનું સફેદ કાપડ ખરીદ્યું હતું અને તેનું બિલ લઈને ભાજપની એપ પર અપલોડ કર્યું હતું. ખાદીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા ખાદી ખરીદી કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બારડોલીમાં લગભગ 500 જેટલા કાર્યકરો ખાદીની ખરીદી માટે આવી પહોંચ્યા હતાં.
ઘર વપરાશની ચીજો પણ ખરીદી : કાર્યકરોએ ખાદીના કપડાં ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવવામાં આવતી સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ તેમજ અન્ય સુશોભનની વસ્તુઓની મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી હતી.