સુરત: સરકારના લૉકડાઉનના આદેશ બાદ વતન તરફ ફરી રહેલા આવા લોકોને અટકાવવતા જતા શહેર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ભારે ટોળાં દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે બાદમાં સ્થિતિને થાળે પાડવા બળ પ્રયોગ કરવાની સાથે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ અને અશ્રુ સેલ છોડવાની ફરજ પડી હોવાની માહિતી સામે આવી હતી.
પાંડેસરાના ગણેશ નગર સ્થિત વડોદગામ ખાતેથી પરપ્રાંતીયનો મોટો સમૂહ સમી સાંજે વતન તરફ રવાના થઈ રહ્યો હતો. એક તરફ દેશભરમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન છે, ત્યાં બીજી તરફ લૉકડાઉનની સ્થિતિ વચ્ચે પોતાના વતન તરફ હિજરત કરી રહેલા લોકોને અટકાવવા સરકારે સ્પષ્ટ નિર્દેશ રાજ્યની પોલીસને આપ્યા છે. જેના અનુસંધાને પાંડેસરા પોલીસની પીસીઆર વાન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ વતન તરફ ફરી રહેલા પરપ્રાંતિયોના આ સમૂહને અટકાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કોઈ માનવા તૈયાર ન થયું અને પોલીસે ના છૂટકે સામાન્ય બળ પ્રયોગ કરતા મામલો બીચકાયો હતો.
જોત-જોતામાં ભારે લોકટોળુ ઘટનાસ્થળે થઈ જતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. જ્યાં ટોળા દ્વારા પીસીઆરને ઘેરી લેતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જો કે પોલીસના મોટા કાફલા પર ટોળા દ્વારા ભારે પથ્થરમારો શરૂ કરી દેવાતા માહોલ તંગ બની ગયો હતો. એટલું જ નહીં બે જેટલી પીસીઆર વાનને ઘેરી તેના પર પણ ભારે પથ્થરમારો કરાયો હતો.
આ પરિસ્થિને કાબૂમાં લેવા પોલીસે અશ્રુ સેલ છોડ્યા હતા. જ્યારે બે જેટલા હવામાં રાઉન્ડ ફાયરીગ પણ કર્યું હોવાની જાણકારી મળી હતી. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી તેમજ એસઓજી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં કોબિંગ હાથ ધર્યું હતું. આ બનાવના પગલે ભારે નાસભાગના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યાં બાદમાં પોલીસ દ્વારા આશરે 50 થી વધુ લોકોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં થયેલા ટોળા દ્વારા ભારે પથ્થરમારામાં ડીસીપી સહિત પીઆઇની ગાડીને પણ નુકસાન થયું હતું. જે અંગે પાંડેસરા પોલીસે રાયોટિંગ સહિત જાહેરનામા ના ભંગ બાદલ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન બાદ સરકારે કોઈ પણ વ્યક્તિને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માટે સૂચના આપી છે અને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે.
જો કે ધંધા રોજગાર હાલ સ્થિતિને જોતા બંધ થઈ ગયા છે અને પરપ્રાંતિયો આ રીતે પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. જેને રોકવા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.