સુરત ટ્રાફિક રિજીયન ચાર ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ મંગળવારે અઠવાલાઇન્સ સ્થિત ટ્રાફિક પોઇન્ટ પર ફરજ પર હાજર હતો. જે દરમિયાન હેલ્મેટ વિના મોપેડ હંકારતી મહિલાને પોલીસે અટકાવી લાયન્સસ સહિત ગાડીના કાગળોની માંગણી કરી હતી. જો કે, મહિલા પાસે લાયસન્સ સહિત ગાડીના કોઈ પણ પુરાવા સાથે ન હતા. આ કારણે પોલીસે વાહન ડિટેઇન કરી આરટીઓ મેમો આપી દીધો હતો. જ્યાં મહિલાએ પોતાના પુત્ર સહિત પરિવારને આ બાબતે જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં.
મહિલા દ્વારા બોલાવાયેલ પરિવારના લોકોએ સ્થળ પર જ પોલીસ કર્મચારી પર અપશબ્દો બોલવા અંગેનો આરોપ મૂકી ભારે હોબાળો મચાવ્યો હતો. એટલુ જ નહીં ફરજ પર હાજર કર્મચારીએ મહિલાને માર મારવાની વાત કરી હોવાનો આરોપ મૂકી જાહેરમાં ગંદી ગંદી ગાળો પોલીસ કર્મચારીને આપી હતી. જેને લઇને થોડી વાર માટે જાહેર રોડ પર પોલીસ અને મહિલાના પરિવાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. મહિલાના પુત્ર સહિત સાથે આવેલ યુવકે જાહેરમાં જ પોલીસ કર્મચારી સાથે જીભાજોડ કરી અપશબ્દો બોલ્યા હતાં. જ્યાં ઘટનાની જાણ ઉમરા પોલીસ મથકમાં કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામને પોલીસ મથકે લઇ ગઇ હતી.
સમગ્ર ઘટના બાદ ઉમરા પોલીસે ટ્રાફિક PIની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ અને અપશબ્દો બોલવા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.