- સુરતના એક આધેડ સાથે લોન આપવાની લાલચે ઠગાઇ
- 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે કહી પડાવ્યા
- કુલ 32.40 લાખ રૂપિયા ગઠિયાએ પડાવી પાડયા
સુરત : સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા 53 વર્ષીય બ્રજકિશોર બ્રહ્માનંદ દાસને વર્ષ 2018માં ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિપક શાસ્ત્રી તરીકે આપી હતી અને તે અયોધ્યા સ્થિત આવેલા ગુરૂકુળ જ્યોતિષ અને વૈદીક નારાયણ જ્યોતિષ સંસ્થાના મેનજર હોવાનું જણાવ્યું હતું. છેવટે આધેડને જણાવ્યું હતું કે, સંસ્થા વગર વ્યાજે 50 લાખ રૂપિયાની લોન આપે છે. લોન લેવા માટે 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે. ગઠિયાએ વધુમાં કહ્યું કે, જ્યારે લોન મળશે ત્યારે ડિપોઝિટની રકમ પરત મળી જશે. બ્રજમોહનને દિકરાઓના અભ્યાસ માટે અને કેમિકલનો નવો ધંધો શરૂ કરવાનો હોવાથી રૂપિયાની જરૂરત હતી. તેથી તેમણે લોન માટે હા પાડી દીધી હતી. ત્યારબાદ ભેજાબાજોએ તેઓના ડોક્યુમેન્ટ મંગાવી લીધા હતા. અલગ-અલગ નામથી ફોન કરી ડીપોઝીટ પેટે 15 લાખ, ફાઈલ ચાર્જના નામે 1.30 લાખ ભરાવ્યાા હતા.
અલગ-અલગ બહાના કાઢી કરી રૂપિયા પડાવ્યા
અલગ-અલગ વ્યક્તિઓના નામથી ફોન કરી આધેડને કહ્યું હતું કે, લોનનું કામ ઝડપી કરવું હોય તો બ્રાંચ મેનેજરને 5 ટકા કમિશન આપવું પડશે કહીને વધુ રૂપિયા લીધા હતા. અલગ-અલગ વ્યક્તિઓ બ્રજકિશોર સાથે વાતો કરતા હતા. પછીથી પણ અલગ-અલગ બહાને બ્રજકિશોર પાસેથી રૂપિયા માંગ્યા હતા. કુલ 21.30 લાખ રૂપિયા આપી દીધા હતા, ત્યારબાદ 18 ટકા GST ભરવા પડશે કહીને વધુ રકમ માંગી હતી. 11.10 લાખ રૂપિયા ભરાવ્યા હતા. કુલ 32.40 લાખ રૂપિયા ગઠિયાને પડાવી પાડયા હતા.
પોલીસ તપાસ દરમિયાન પણ ફોન કરીને વધુ રૂપિયા માંગતા
બ્રજકિશોરને ખ્યાલ આવી ગયો કે, તેની સાથે છેતરપિંડી થઈ છે. ગઠિયાના વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી. પોલીસ તપાસ કરતી હતી તે દરમિયાન પણ ગઠિયો બ્રજકિશોરને ફોન કરીને વધુ રૂપિયા માંગતો હતો. આ બાબતે રવિવારે સાંજે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં પોલીસે ફોન કરનારાના નંબરના આધારે કુલ 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરું કરી છે.