સુરત: પ્રાપ્ત માહિતી અનુસાર પરબ ગામે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં મોબાઇલ રિપેરીંગ અને મની ટ્રાન્સફર તેમજ લોકોનાં રૂપિયા બેંકમાં જમા કરવાનું અને ઉપાડવાનું કામ કરી કમિશન મેળવવાનું કામ કરતા રાણારામ રબારી ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ રોજીંદુ કામ આટોપી મોડી રાત્રે મની ટ્રાન્સફરનાં 2 લાખ 19 હજાર રૂપિયા વરેલી ગામ ખાતે આવેલ જેરામ ભાઇને આપવાનાં હોય જે રૂપિયા આપવા માટે પોતાની બાઇક લઇને વરેલી ખાતે જવા માટે નીકળ્યા હતા.
લૂંટ કરી આરોપી ફરાર: રાણારામ પરબ ગામથી કડોદરા થઇને વરેલી જઇ રહ્યા હતા. ત્યારે ઉંભેળ ગામની સીમમાં દાદીયા ફળીયાથી ને.હા.નં - 48 જતા રોડ ઉપર શેરડીનાં ખેતરની બંગલી સામે રોડ ઉપર રાણારામની બાઇક બંધ પડી ગઇ હતી. ત્યારે જે બાઇકને ધક્કો મારીને આગળ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી એક કેટીએમ બાઇક અને બે હોન્ડા શાઇન બાઇક ઉપર ચાર અજાણ્યા ઇસમો રાણારામની બાઇક નજીક આવી જેનાં ગળામાં ભેરવેલ બેગ ઝુંટવી ઝપાઝપી કરી 2 લાખ 19 હજાર રોકડ ભરેલી ઉપરોક્ત બેગ અને ખીસ્સામાંથી 30 હજાર કિંમતનો મોબાઇલ ફોનની લુંટની ઘટનાને અંજામ આપી અંધારાનો લાભ લઇ ભાગી છુટ્યા હતા.
2.49 લાખની લૂંટ: રાત્રીનો સમય હોય ત્રણ બાઇક પર આવેલા ચાર અજાણ્યા લુંટારૂઓએ મોઢા ઉપર રૂમાલ બાંધેલા હોય ચારેય અજાણ્યા લુંટારૂઓ વિરૂધ વેપારી રાણારામે કામરેજ પોલીસ મથકે કુલ 2.49 લાખની લૂંટ અંગે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
તપાસ શરૂ: કામરેજ પોલીસ મથકના પીએસઆઈ ડી.એચ વસાવાએ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અજાણ્યા ચાર ઇસમોને ઝડપી લેવાની તજવીજ શરૂ છે.