બારડોલી: સુરત જિલ્લાના મહુવા તાલુકાની એક ગાયિકાને તેની સાથે જ બેન્ડ પાર્ટીમાં કામ કરતાં પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવકે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અશ્લીલ ફોટો અને વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ અંગે યુવતીએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે યુવક સામે દુષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સાથી કલાકાર સાથે પ્રેમ સંબંધ હતો: સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં રહેતી 23 વર્ષીય યુવતી ગાયક કલાકાર તરીકે ઉમરપાડાની એક બેન્ડ પાર્ટીમાં કામ કરતી હતી. તે દરમ્યાન તેની સાથે કામ કરતાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાતલા મહુ ગામના વિપુલ ભરતભાઈ વસાવા નામના પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
આ પણ વાંચો Rajkot Crime : શહેરમાં દિલ્હી જેવી ઘટના થતા અટકી, નર્સને ઢસડીને દુષ્કર્મનો પ્રયાસ
2019માં ઉમરપાડાના ચોખવાડા ગામે દુષ્કર્મ કરી અશ્લીલ વીડિયો ઉતાર્યો: વર્ષ 2019માં યુવતી ઉમરપાડા ખાતે એક પ્રોગ્રામ કરવા ગઇ હતી ત્યારે વિપુલ તેણીને ઉમરપાડા તાલુકાનાં ચોખવાડા ગામે આવેલ એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સમયે યુવતીની જાણ બહાર તેણીના અશ્લીલ ફોટો અને વીડિયો મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી દીધા હતા. આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીને બદનામ કરવા વીડિયો વાયરલ કર્યા: ત્યારબાદ વિપુલે યુવતીને બદનામ કરવા માટે આ બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં ચકચાર મચી ગઈ હતી. બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સમાજમાં યુવતી અને તેના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી બદનામી કરી હોય યુવતીએ મહુવા પોલીસ મથકમાં વિપુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વિપુલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.