સુરત : લૉકડાઉન વચ્ચે દિવસ-રાત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા મહિલા અને ટીઆરબીના જવાનોને જીવન જરૂરિયાતની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામી મહાવીર જન્મ કલ્યાણક દિન નિમિત્તે જૈન સમાજ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટના હસ્તે મહિલા ટીઆરબી અને જવાનોને આ કિટ અર્પણ કરવામાં આવી હતી .
આ સિવાય મનપાની 100 જેટલી મહિલા સફાઈ કર્મચારીઓને પણ કિટ આપવામાં આવી હતી. ગતરોજ અડાજણ વિસ્તારમાં મહિલા તબીબ જોડે થયેલ ગેરવર્તન મામલે પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાની લડાઈમાં ડૉક્ટર્સ,નર્સિંગ સ્ટાફ સહિતના લોકો વૉરિયર્સની જેમ લડાઈ લડી રહ્યા છે.આવી ઘટના બિલકુલ પણ સાંખી નહિ લેવામાં આવે.
જે ઘટના બની છે તે ધ્યાને આવતા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. મહિલા તબીબ સાથે થયેલા દુર્વ્યવહાર મામલે ફરિયાદ નોંધી સામાપક્ષની ધરપકડ કરવામાં આવી છે.