સુરત : ખૂબ જ લોકપ્રિય મુંબઈ-સુરત ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ટ્રેન સૌપ્રથમ 1906માં શરૂ થઈ હતી. બોમ્બે સેન્ટ્રલમાં બોમ્બે સેન્ટ્રલના તત્કાલિન જિલ્લા અધિક્ષકના (હાલ વલસાડ) પત્નીએ એક વિશાળ સભામાં ટ્રેનનું નામ ફ્લાઇંગ રાણી રાખ્યું હતું. આ પછી તેની સેવાઓ વચ્ચે બંધ થઈ ગઈ હતી. પરંતુ લગભગ વર્ષ 1950 થી તે સતત ટ્રેક પર દોડી રહી છે. આ પ્રતિષ્ઠિત ટ્રેન મુંબઈ અને સુરત વચ્ચે લોકોની પરિવહન જરૂરિયાતો અત્યંત સમર્પણ સાથે પૂરી કરી રહી છે.
પ્રથમ ડબલ ડેકર કોચ ટ્રેન : વર્ષ 1965 માં ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ટ્રેને વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. જ્યારે તેને દેશની સૌથી ઝડપી મધ્યમ અંતરની ટ્રેન તરીકે જાહેર કરવામાં આવી. આ દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા આ ટ્રેનના કોચને નવા રંગરૂપ આપવામાં આવ્યા હતા. તેને વાદળી રંગનો અલગ આછો અને ઘેરો કોટ આપવામાં આવ્યો હતો. નવેમ્બર 1976 માં ટ્રેનને હળવા અને ઘેરા લીલા રંગમાં રંગવામાં આવી હતી. જૂન, 1977થી આ ટ્રેને સુધારેલા ઈલેક્ટ્રીક ટ્રેક્શન પર દોડવાનું શરૂ કર્યું હતું. 18 ડિસેમ્બર, 1979 ના રોજ ફ્લાઈંગ રાની ભારતીય રેલ્વેના ઈતિહાસમાં ડબલ ડેકર કોચ ધરાવતી પ્રથમ ટ્રેન બની હતી. આ ટ્રેન પ્રવાસીઓ અને વેપારીઓમાં લોકપ્રિય છે કારણ કે, તે બે વ્યાપારી કેન્દ્રોને જોડે છે.
ફ્લાઈંગ રાણીનું નવું રુપ : યાત્રીકોના મુસાફરીના અનુભવને વધારવા માટે પશ્ચિમ રેલ્વે ટ્રેન નંબર 12921/12922 મુંબઈ સેન્ટ્રલ - સુરત ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને નવી સુવિધા આપવામાં આવી છે. પરંપરાગત રેકની જગ્યાએ 16 જુલાઈ, 2023 થી મુંબઈ સેન્ટ્રલથી અને 17 જુલાઈ, 2023 થી સુરતથી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ LHB કોચ સાથે દોડશે. આ ટ્રેનમાં 21 કોચ હશે. જેમાં 2 AC chair car (આરક્ષિત), 7 આરક્ષિત સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ, 7 અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ, 1 કોચ એમએસટી પાસ ધારકો માટે ફર્સ્ટ ક્લાસ, 1 કોચ સેકન્ડ ક્લાસ મંથલી પાસ હોલ્ડર્સ, 1 કોચ મહિલાઓ માટે છે. બીજા વર્ગની MST મહિલા પાસ ધારકો માટે એક કોચ નિર્ધારિત કરવામાં આવશે.
સુરત અને મુંબઈના લોકો માટે આ ખૂબ જ ગૌરવની બાબત છે. કારણ કે, આ ખૂબ જ પ્રતિષ્ઠિત ટ્રેન છે અને તેનો મેક ઓવર કરવામાં આવ્યો છે. યાત્રીઓને વધુ સુવિધા અને સુરક્ષા મળી શકે આ માટે આ ટ્રેનમાં LHB કોચ લગાડવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં આ જ પ્રકારના અત્યાધુનીક કોચ ભારતની અન્ય ટ્રેનોમાં જોવા મળશે.-- દર્શના જરદોશ (કેન્દ્રીય રેલ્વે રાજ્યપ્રધાન)
LHB કોચની ખાસિયત : ટ્રેનોમાં પરંપરાગત કોચને રેલવે મંત્રાલય દ્વારા બદલવામાં આવી રહ્યા છે. જૂના કોચ સામાન્ય સ્ટીલ અને પતરાથી બનાવવામાં આવતા હતા. જ્યારે LHB કોચ સ્પોટવેલ્ડેડ તેમજ સ્ટેનલેસ સ્ટીલથી તૈયાર કરવામાં આવે છે. બંનેની તુલના કરવામાં આવે તો પરંપરાગત કોચની તુલનામાં LHB કોચ વધુ સુરક્ષિત અને આરામદાયક હોય છે. LHB કોચ વજનમાં હલકા હોવાથી ટ્રેનની સ્પીડ પણ વધારી શકાય છે. સૌથી પહેલા આ કોચનો ઉપયોગ શતાબ્દી એક્સપ્રેસમાં કરાયો છે. જર્મનીથી 24 AC LHB કોચ આયાત કરીને તેનો ઉપયોગ કરાયો હતો. પ્રયોગ સફળ રહ્યા બાદ હવે ભારતમાં જ આ LHB કોચ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતના મોટાભાગના ટ્રેનોમાં હાલ LHB કોચ લગાડવામાં આવી રહ્યા છે અને જુના ICF હટાડવામાં આવી રહ્યા છે.
ટાઈમટેબલ : હાલમાં ફ્લાયિંગ રાણી એક્સપ્રેસ સુરતથી દરરોજ સવારે 05.10 વાગ્યે ઉપડે છે અને સવારે 09.50 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. જ્યારે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 17.55 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 22.35 કલાકે સુરત પહોંચે છે. સુરતમાં આ નવા કોચને લીલી ઝંડી રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશે આપી હતી.