પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ ડાઇંગ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો. આગ વધુ વિકરાળ હોવાના કારણે માન દરવાજા ,ભેસ્તાન ,ડીંડોલી ,પાંડેસરા સહિત પાંચ ફાયર મથકોની કુલ દસથી વધુ ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
ડાઇગ મિલમાં લાગેલી આગના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 100 થી પણ વધુ કારીગરો મિલમાં કામ કરતા હતા અને તે દરમિયાન ભીષણ આગની ઘટના બની હતી. જો કે, ઘટના સ્થળે પહોંચેલા ફાયર વીભાગના કાફલા દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
સમગ્ર તપાસ કરતા આ આગ મિલના કેમિકલ ડિપાર્ટમેન્ટમાં સ્પાર્ક થવાના કારણે વિકરાળ બની હતી. ભીષણ આગની ઘટનામાં કાપડ સહિતનો સામાનને પણ ભારે નુકસાન થયું હોવાનો અંદાજો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.