સુરત: શહેરમાં સતત સાતમા દિવસે પણ અનેક ઘરોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા જોવા મળી રહી છે. 30 ટકા જેટલા સુરતના વિસ્તાર ખાડી પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. રોજે રોજ ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કામગીરી કરીને સુરક્ષિત સ્થાને મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઝીંગા તળાવમાં ફસાયેલા 9 સ્થાનિકોમાંથી પાંચનો રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
ખાડી પૂરના કારણે જળબંબાકારની સ્થિતિ સાતમાં દિવસે પણ અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. સાતમાં દિવસે પણ અનેક સ્થળે ખાડી પૂરના પાણીમાં લોકો ફસાયા હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયર વિભાગ દ્વારા સચિન ઉબેર ગામ પાસે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝીંગાના તળાવમાં 9 સ્થાનિક લોકો ફસાયા હોવાનું કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જે પૈકી 5 લોકોનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. જ્યારે અન્ય 4 લોકો ઉભરાટ તરફ હોવાનું જાણવા મળતા ફાયરની ટીમ ત્યાં પહોંચી તેમની શોધખોળ હાથ ધરી હતી.