સુરતમાં હજુ પણ મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં પણ શહેરના કેટલાક વિસ્તરોમાં તો આવી બાબતો તો સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે, ત્યારે લીંબાયત વિસ્તારમાં બે લોકોના ઝગડામાં હત્યા સુધીનો બનાવ બની જતા પોલીસ દોડતી થઈ હતી.
છેલ્લા 6 મહિનાથી ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો, ત્યારે આખરે ઝગડામાં એક યુવતીએ જીવ ગુમાવો પડ્યો છે. લીંબાયત પોલીસ પાસે ફરિયાદી અનેક વાર ગયા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી ન કરી અને સામાન્ય ઝઘડામાં આપેલી ગાળ યુવતી નસરીનની હત્યા સુધી પહોંચતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
30 તારીખ રાત્રીના સમયે ફરિયાદીનો પુત્ર અને પુત્રી લીંબાયત પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતાં. તે સમયે કેટલાક ઈસમો આવી અચાનક જ હુમલો કરતા પુત્ર અને પુત્રી બંનેને ઇજા થઈ હતી. જેથી પુત્રીને માથાના ભાગે વધુ ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મામલો થાળે પાડ્યો અને પરિવારને સમાજવતા પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.