સુરત: આગામી 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે. અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ભેજના કારણે ગુજરાતમાં આ માવઠાની અસર જોવા મળશે. હવામાન ખાતા દ્વારા 25થી 27 નવેમ્બર સુધી હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.
માવઠાને લઈ સુરતના પુરુષોત્તમ મંડળી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો છે. 25થી 27 નવેમ્બર એટલે ત્રણ દિવસ સુધી આ જીન મંડળી બંધ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન ખેડૂતો પાસેથી ડાંગર અને કપાસ લેવાનું બંધ રહેશે. કારણ કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોના પાકને નુકસાન ન થાય આ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. - જયેશ પટેલ, ખેડૂત આગેવાન
ખેતરમાં રહેલ પરાડ સાચવવા અપીલ: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમે તમામ ગામના સભાસદોને વિનંતી કરી છે કે આ ત્રણ દિવસ સુધી ડાંગર કપાસ લેવાનું બંધ રહેશે. સાથે અમે ખેતરમાં રહેલ પરાડ સાચવવા માટેની પણ અપીલ કરી છે. તેમણે ખેડૂતોને જણાવ્યું છે કે ડાંગર કે કપાસ સાચવીને તેઓ રાખે. જેથી કમોસમી માવઠાથી પાકને ભારે નુકસાન ન થાય. આ અંગેની ખેડૂતોને જાણ કરવામાં આવી છે.
ક્યાં પડી શકે છે વરસાદ ? આગામી 24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે પુરા રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જોકે 25 નવેમ્બરે દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ રહી શકે છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.
કેટલું રહેશે તાપમાન ? હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ઇસ્ટર્નલી પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જ્યારે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં વાદળો અને વરસાદ રહેવાની સંભાવનાઓ છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે તથા 24 કલાક બાદ તાપમાન 4 ડિગ્રી જેટલું વધી શકે છે અને 3 દિવસ બાદ ફરી તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.