સુરત શહેરમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતી ટોળકીએ અનેક ગુનાઓને અંજામ આપી ચૂકી છે, ત્યારે આવી જ કંઈક ટોળકીને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલા બાતમીના આધારે શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના મોબાઇલ ખરીદ-વેચાણના ઓર્ગેનાઈઝ રીતે ગુનાને અંજામ આપતી ટોળકીને ઝડપી પાડી છે. 8 જેટલા લોકોની ટોળકી દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું. જેમાં બે કિશોર છે અને એક પુખ્તવયનો આરોપી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાં અનુસાર ચોક બજાર વિસ્તારમાં ચાઈનીઝની લારી ચલાવતો ત્રેવીસ વર્ષીય અબુ આમિર ઉર્ફે લાલા સાબિર કાસકીવાલા મોબાઈલ ચોરીના ખરીદ-વેચાણનું છેલ્લા એક વર્ષથી રેકેટ ચલાવી રહ્યો છે. તેવી માહિતી મળી હતી. જે માહિતીના આધારે તપાસ કરતા અબુ આમિર ઉર્ફે લાલા પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતાં.
જે અંગેની પૂછપરછ કરતા હકીકત બહાર આવી હતી કે મોબાઈલ ચોરીના છે. જ્યાં બાદમાં આરોપી અબુ આમિરની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ કરતા કુલ 57 જેટલા મોબાઈલ સ્નેચિંગ સને ચોરીના મોબાઈલ મળી આવ્યા હતાં. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી છેલ્લા એક વર્ષથી શહેરમાં 8 જેટલા ટોળકીના સાગરીતો પાસેથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીનું રેકેટ ચલાવી રહ્યો છે. જેથી અન્ય બે કિશોરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. કિશોરની પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે ટોળકીમાં સામેલ અન્ય શખ્સો સાથે મળી તેઓ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જઇ મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતાં.
જ્યાં મોટાભાગે કોઈ રાહદારીના હાથમાં અથવા તો પગપાળા જતા અને મોબાઈલ પર વાત કરતી કોઈ વ્યક્તિને ટોળકીના સાગરીતો નિશાન બનાવતા હતાં. મોબાઈલ સ્નેચિંગ મોટર સાયકલ પર કરવામાં આવતી હતી. જે મોટર સાયકલની સુવિધા પણ મુખ્ય આરોપી અબુ આમિર પુરી પાડતો હતો. જેના બદલામાં એક દિવસનું ભાડું એક હજાર રૂપિયા આરોપીઓ પાસેથી વસુલ કરતો હતો. આરોપીઓ દિવસ અને સાંજના સમય દરમિયાન મોબાઈલ સ્નેચિંગ કરતા હતાં.
દિવસભરમાં 5 જેટલા મોબાઈલ સ્નેચિંગ કર્યા બાદ તેઓ પરત ફરી જતા અને ત્યારબાદ મોબાઈલ અબુ આમિરને વેચી દેતા હતાં. એટલું જ નહીં આરોપીઓ ઓટો રીક્ષામાં મુસાફરી કરતા મુસાફર પાસેથી મોબાઈલ ચોરી કરતા હોવાનું ખુલ્યું હતું. ઓટો રિક્ષામાં બેઠેલા મુસાફર સાથે બેસવા બાબતે ધકકમુક્કી કરી ત્યારબાદ મોબાઈલ ચોરી કરી લેતા હતાં. આ પ્રમાણે આરોપીઓ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાને ઓર્ગેનાઇઝ રીતે અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓએ અત્યાર સુધી કતારગામ, પુણા, રાંદેર, વરાછા સહિત લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યા હતાં. જ્યારે મહિધરપુરા, ઉધના, અડાજણ, ઉમરા ચોક તેમજ ખટોદરા પોલીસની મથકની હદમાં મોબાઈલ સ્નેચિંગ સહિત ચોરીના ગુના આચરી ચુક્યા હતાં.