સોમવારે અમદાવાદમાં બાળકોની ખાનગી હોસ્પિટલમાં ચોથા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે અહીં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. તેવા કિસ્સામાં પ્રજા માટે આ હોસ્પિટલો કેટલી સુરક્ષિત તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. તેમજ ફાયર વિભાગ દ્વારા આ અંગે તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવાય તેવી માંગ પ્રજાજનોમાં વ્યાપી હતી.
બીજી તરફ સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક માસથી ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવી રહી હતી. જે તપાસ હાલ પણ વિવિધ હોસ્પિટલોમાં યથાવત્ છે. આ અંતર્ગત આજે સુરતની એક હોસ્પિટલમાં ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી. તેમની સાથે અહીં સ્થળ ઉપર ETV Bharatના પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ફાયર વિભાગની ટીમ શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી એપેક્સ હોસ્પિટલમાં દાખલ થઈ હતી ત્યાં ફાયર સેફ્ટી માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલ્બ્ધ હતી. આ ચેકીંગ દરમિયાન હોસ્પિટલમાં સ્મોક ડિટેક્ટર, ફાયર એલાર્મ ,ઇમરજન્સી એક્ઝિટ સહિતની તમામ સુવિધા જોવા મળી હતી. અહીં ફાયર વિભાગમાંથી આવેલા ઓફિસરે હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટી માટેની સંપૂર્ણ વિગતોથી માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત ફાયર વિભાગની તપાસમાં જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે ત્યાં નોટીસો પાઠવી તાત્કાલિક ધોરણે ફાયર સુવિધાઓ ઉપ્લ્બ્ધ કરવાના નિર્દેશ આપી દેવાયા છે.