- સુરત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ સુનાવણી
- બારડોલી સુગર ફેક્ટરી સ્થાપશે છે પ્લાન્ટ
- આજુબાજુના ગામોમાં પર્યાવરણીય અસર બાબતે થઈ ચર્ચા
બારડોલી: સુગર ફેક્ટરી દ્વારા ઇથાઇલ આલ્કોહોલ/ રેક્ટિફાઇડ સ્પિરિટ 1. રેક્ટિફાઇડ સ્પિરિટ 79 TDP અથવા ઇથાઇલ આલ્કોહોલ 75 TDP, 2.હેડ સ્પિરિટ (અશુદ્ધ સ્પિરિટ) 3.75 TDP, 3. ફ્યુઝલ ઓઇલ 0.23 TDP અને 4. કો-જનરેશન પાવર પ્લાન્ટ 2.5 મેગાવોટના ઉત્પાદન માટેની પરિયોજના શરૂ કરવામાં આવનારી છે. આ પરિયોજના શરૂ થાય તે પહેલાં પર્યાવરણીય મંજૂરી મેળવવી જરૂરી છે.
10 KM વિસ્તારના ગામો અસરગ્રસ્ત
આ માટે સુરત ધુલિયા રોડ પર આવેલા સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે આયોજિત પર્યાવરણીય લોક સુનાવણીમાં પરિયોજના કન્સલ્ટન્ટ દ્વારા આ પરિયોજનાથી પર્યાવરણ પર થનારી અસર અને તેના નિયંત્રણ માટે લેવામાં આવનાર પગલાં અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આજુબાજુના 10 KM વિસ્તારમાં આવેલા ગામોનો અસરગ્રસ્ત વિસ્તાર તરીકે સમાવેશ થાય છે.
46720 ચો.મી. જમીનમાં સ્થપાશે પ્લાન્ટ
આ પ્લાન્ટ સુગર ફેક્ટરી પરિસરમાં આવેલા 46 હજાર 720 ચો.મી. જમીનમાં સ્થાપવામાં આવશે. જે પૈકી 15 હજાર 417.55 ચોરસ મીટર જમીનમાં હરિત પટ્ટો (ગ્રીન બેલ્ટ) વિકસિત કરવામાં આવશે જ્યારે બાકીની જમીન પર પ્લાન્ટ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરાશે.
સભાસદો અને આજુબાજુના ગામને થશે ફાયદો
આ પ્લાન્ટથી સુગર ફેક્ટરીના સભાસદો અને આજુબાજુના ગામોને પણ ફાયદો થશે એમ સુગર ફેક્ટરીના એમ. ડી. પંકજ પટેલે જણાવ્યું હતું. બીજી તરફ આ પ્લાન્ટથી આજુબાજુના ગામોને થનારી અસર અને સુરક્ષાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અન્ય કોઈ વાંધા રજૂ નહિ થતા જિલ્લા કલેક્ટર દ્વારા સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે
આ પ્લાન્ટથી અનેક ગણો ઘન કચરો પેદા થશે તેના યોગ્ય નિકાલ માટેની પણ સુગર ફેક્ટરી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું લોક સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું. 1645.20 મેટ્રિક ટન પ્રતિ વર્ષ ફ્લાય એશ ઉત્પન્ન થશે. જેનું એકત્રીકરણ કરી ઈંટના ઉત્પાદકોને વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત 468.16 મેટ્રિક ટન પ્રતિ વર્ષ CPU સ્લજ ઉત્પન્ન થશે જેનો ખાતર તરીકે પુનઃ વપરાશ કરવામાં આવશે. તે ઉપરાંત જોખમી કચરા જેવા કે યુઝ્ડ ઓઇલનો 1 K.L./ વાર્ષિક અને ડિસ્કરડેડની ઉત્પત્તિ થશે જેને પરિવહનમાં અથવા તો રિસાઈકર્લ્સઝને વેચાણ કરવામાં આવશે.
અસરગ્રસ્ત ગામોમાં સુવિધા માટે 192.7 લાખનો મૂડી ખર્ચ થશે
આ પ્લાન્ટથી અસરગ્રસ્ત ગામોમાં જેવા કે, બાબેન, અસ્તાન, ઉમરાખ, બારાસડી, ખલી, ધામદોડ લુંભા, નાંડીદા સહિતના ગામોમાં CER યોજના અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને માળખાગત સુવિધા પૂરી પાડવામાં આવશે. આ માટે પાંચ વર્ષમાં કુલ રૂપિયા 192.7 લાખ રૂપિયાનો મૂડી ખર્ચ અંદાજવામાં આવ્યો છે.