- એકતા ટ્રસ્ટ અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન
- કુલ 2800 અસ્થિઓની થશે વિધિ
- હરિદ્વારમાં અસ્થિઓ કરાશે પ્રવાહિત
સુરત: કોરોનાની મહામારીને કારણે ગંગામાં અસ્થિઓનું વિસર્જન અટક્યું હતું અને લાંબા સમયથી દિવંગતોના પરિવારના સભ્યો પોતાના સ્વજનની અસ્થિઓનું ગંગામાં વિસર્જન થાય અને તેમની આત્માને શાંતી મળે તે માટે રાહ જોઈ રહ્યા હતા. જેથી સુરતના એકતા ટ્રસ્ટે હાલ સુધી સાચવવામાં આવેલ વ્યક્તિઓના અસ્થિઓનો વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં 2800 અસ્થિ કળશો ટ્રસ્ટ પાસે ભેગા થયા છે. તેનું વિસર્જન કરવા માટે ટ્રસ્ટના 8 હિન્દૂ અને ૨ મુસ્લિમ સભ્યોની ટીમ સુરતથી રવાના થઈ ગઈ છે અને 28 ફેબ્રુઆરીએ રાત્રે હરિદ્વાર પહોંચશે. મુખ્યમંત્રીએ આપેલી એમ્બ્યુલન્સમાં જ આ તમામ અસ્થિઓને હરિદ્વાર સુધી લઈ જવામાં આવી છે. 1 માર્ચના રોજ સવારે 06:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધીમાં આ તમામ દિવંગતોની અસ્થિઓનું શાસ્ત્રોકત વિધિ સાથે માઁ ગંગામાં વિસર્જન કરાશે.
આત્માની શાંતિ માટે કરાશે પ્રાર્થના
અબ્દુલ મલબારીએ કહ્યું કે,શહેરમાં કોરોનાના ઈલાજ દરમિયાન મૃત્યુ પામનાર વ્યક્તિઓના અસ્થિને સંભાળીને રાખ્યા હતા. કોરોના પોઝિટિવ, નેગેટિવ અને શંકાસ્પદ એમ દરેકના અસ્થિઓને લઈને અમારી ટીમ રવાના થઈ ગઈ છે. આ અસ્થિઓ સાથે અન્ય 1400 અસ્થિ કળશો એ લોકોના છે જેઓ બિનવારસી મળી આવ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા. અમારા હિન્દૂ સભ્યો વિધિ કરશે અને આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરશે.