સુરતમાં એક બાદ એક ભેજાબાજો પોતાના નાકામ મનસુબા પાર પાડવા માટે અવનવા ખેલ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં નકલી પોલીસ બનીને ફરતા બે આરોપીઓની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગતરોજ મોડી રાત્રી દરમિયાન પોલીસનો સ્ટાફ અમરોલી ના જુના જકાત નાકા પાસે વાહન ચેકિંગમાં હતો. જે દરમિયાન ત્યાંથી મોટર સાઇકલ પર પસાર થતા પી.એસ.આઇ.ના ડ્રેસમાં રહેલા કર્મચારીને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછમાં પોતે દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હોવાનું કર્મચારીએ જણાવતા કતારગામ પોલીસને વધુ શંકા ગઈ હતી. જેથી ઉંડાણપૂર્વકની તપાસ કરતા નકલી પોલીસ બની ફરતા હોવાનું બહાર આવ્યું હતું...એટલું જ નહીં પોતે પહેરેલી પોલીસની વરદી તેના નકલી પોલીસ કોન્સ્ટેબલ મિત્ર એ આપી હોવાની કબૂલાત કરી હતી.જ્યાં પોલીસે બંને નકલી પોલીસની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.પોલીસે નકલી પોલીસ પાસેથી પી.એસ.આઇની વરદી, કમરબંધ પટ્ટો સહિત પાંચ જેટલા બનાવટી ઓળખ કાર્ડ પણ જપ્ત કર્યા હતા.
અસલી પોલીસના હાથે ચઢેલા બે પૈકીના એક નું નામ ગણેશ પ્રધાન છે.જે પીએસઆઇ તરીકે બે સ્ટારવાળી વરદી પહેરી શહેરમાં ફરતો અને પોતાની ઓળખ પોલીસ તરીકે લોકોને આપતો હતો.જો કે નકલી પોલીસ આખરે અસલી પોલીસના હાથે ચઢી જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.આરોપીઓએ પોલીસના નામે કોઈ જોડે છેતરપિંડી અથવા તો કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.જ્યાં રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તો નવાઈ નહીં.